Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 11 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરના બે સાક્ષીઓ

1 પછી મને માપદંડ જેવી લાકડી આપવામાં આવી અને કહેવામાં આવ્યું, “ઊઠ, ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે અને જેઓ મંદિરમાં ભજન કરે છે તેમની ગણતરી કર.

2 પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે.

3 અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.

4 એ સાક્ષીઓ તો પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહેનાર બે ઓલિવ વૃક્ષ અને બે દીપવૃક્ષ છે.

5 જો કોઈ તેમને ઇજા પહોંચાડવા ચાહે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને તેમનો સંહાર કરશે. તેમને ઇજા પહોંચાડનાર એ રીતે માર્યો જશે.

6 તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહિ પડે. વળી, તેમને ઝરણાંનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે.

7 પણ જ્યારે તેઓ સંદેશ આપવાનું તેમનું કાર્ય પૂરું કરશે, ત્યારે અગાધ ઊંડાણમાંથી નીકળી આવેલું ‘પશુ’ તેમની સાથે યુદ્ધ કરશે, તેમને હરાવશે અને તેમને મારી નાખશે.

8 તેમનાં શબ મહાનગરની ગલીઓમાં રઝળશે, એ મહાનગરમાં પ્રભુ ક્રૂસે જડાયા હતા. તેનું સાંકેતિક નામ ‘સદોમ’ અથવા ‘ઇજિપ્ત’ છે.

9 દરેક પ્રજા, જાતિ, ભાષા અને રાષ્ટ્રના લોકો તેમનાં શબને સાડાત્રણ દિવસ સુધી જોયા કરશે અને તેમને દફનાવવા દેશે નહિ.

10 પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”

11 સાડાત્રણ દિવસ પછી ઈશ્વરે મોકલેલો જીવનનો શ્વાસ તેમનામાં પ્રવેશ્યો અને તેઓ ઊભા થયા. તેમને જોનાર સૌ ભયભીત થઈ ગયા.

12 પછી તે બે સંદેશવાહકોએ સ્વર્ગમાંથી એક મોટી વાણી તેમને આમ કહેતી સાંભળી, “અહીં ઉપર આવો!” તેઓ તેમના શત્રુઓનાં દેખતાં વાદળ પર બેસીને સ્વર્ગમાં ગયા.

13 તે જ ક્ષણે એક મોટો ભયંકર ધરતીકંપ થયો, અને તેથી નગરનો દસમો ભાગ નાશ પામ્યો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયા. બાકીના લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.

14 બીજી આફત પૂરી થઈ છે, પણ જુઓ ત્રીજી તરત જ આવી રહી છે.


સાતમું રણશિંગડું

15 પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”

16 પછી ઈશ્વરની સન્મુખ આસનો પર બિરાજમાન ચોવીસ વડીલોએ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કર્યું.

17 “હે પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમે વર્તમાનમાં છો અને ભૂતકાળમાં હતા. અમે તમારો આભાર માનીએ છીએ, કારણ, તમે તમારો મહાન અધિકાર ધારણ કર્યો છે અને રાજ કરવા લાગ્યા છો!

18 વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

19 પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan