ગીતશાસ્ત્ર 99 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુ પવિત્ર રાજા 1 પ્રભુ રાજ કરે છે; સર્વ પ્રજાઓ કાંપો; તે કરુબો પરના રાજ્યાસન પર બિરાજમાન છે; ધરણી ધ્રૂજી ઊઠો. 2 પ્રભુ સિયોનનગરમાં મહાન છે; તે બધી પ્રજાઓ પર સર્વોપરી છે. 3 તેથી તેઓ સૌ તમારા મહાન અને આરાધ્ય નામની સ્તુતિ કરો; તે પવિત્ર ઈશ્વર છે. 4 હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે. 5 તમે આપણા ઈશ્વર પ્રભુને ઉન્નત માનો. તેમના પાયાસન પાસે ઈશ્વરને નમન કરો; તે પવિત્ર છે. 6 ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો. 7 મેઘસ્તંભમાંથી ઈશ્વર તેમની સાથે બોલ્યા; ઈશ્વરે આપેલા આદેશો અને ફરમાનોનું તેમણે પાલન કર્યું. 8 હે અમારા ઈશ્વર પ્રભુ, તમે તમારા લોકને ઉત્તર આપ્યો; જો કે તમે તેમનાં ભૂંડાં કામોની શિક્ષા કરી; છતાં તમે તેમને દર્શાવ્યું કે તમે ક્ષમા આપનાર ઈશ્વર છો! 9 આપણા ઈશ્વર પ્રભુને ઉન્નત માનો, તેમના પવિત્ર પર્વત પર તેમની આરાધના કરો; કારણ, આપણા ઈશ્વર પ્રભુ પવિત્ર છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide