ગીતશાસ્ત્ર 96 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર સર્વોપરી રાજા 1 પ્રભુની સંમુખ નવું ગીત ગાઓ; આખી પૃથ્વીના લોકો પ્રભુની સમક્ષ ગાઓ. 2 પ્રભુના માનમાં ગાઓ. તેમના નામને ધન્ય કહો; દિનપ્રતિદિન તેમનો ઉદ્ધાર પ્રગટ કરો. 3 સર્વ દેશોમાં તેમનું ગૌરવ અને સર્વ પ્રજાઓમાં તેમનાં અજાયબ કાર્યો પ્રસિદ્ધ કરો. 4 કારણ, પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; સર્વ દેવોમાં માત્ર તે જ આરાધ્ય છે. 5 અન્ય લોકોના સર્વ દેવો વ્યર્થ મૂર્તિઓ જ છે, પરંતુ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે. 6 સન્માન અને મહિમા તેમની સંમુખ છે; સામર્થ્ય અને ગૌરવ તેમના પવિત્રસ્થાનમાં છે. 7 હે સર્વ પ્રજાઓનાં કુળો, પ્રભુને મહાન માનો; તેમનાં ગૌરવ અને સામર્થ્યનો સ્વીકાર કરો! 8 પ્રભુના મહાન નામને છાજે એવી એમની સ્તુતિ કરો; અર્પણો લઈને તેમના મંદિરના આંગણામાં આવો! 9 ગૌરવ અને શોભાનાં પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રભુને ભજો; આખી પૃથ્વીના લોકો તેમની આગળ ધ્રૂજી ઊઠો. 10 સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે. 11 પ્રભુ આવે ત્યારે તેમની સમક્ષ આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર અને તેમાંનાં સર્વ જીવો ગર્જના કરો; 12 ખેતરો અને તેમાં જે કંઈ છે તે ઉલ્લાસિત બનો, વનનાં સર્વ વૃક્ષો પણ જયજયકાર કરો. 13 કારણ, પ્રભુ જગતનો ન્યાય કરવા આવે છે. તે નેકીથી જગતનો અને સત્યતાથી સર્વ પ્રજાઓનો ન્યાય કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide