Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 94 - પવિત્ર બાઇબલ C.L.


સર્વના ન્યાયાધીશ ઈશ્વર

1 હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો.

2 હે વિશ્વના ન્યાયાધીશ ઊઠો, અને અહંકારીઓને યોગ્ય સજા કરો.

3 હે પ્રભુ, દુષ્ટો ક્યાં સુધી ગર્વ કરશે? ક્યાં સુધી તેઓ વિજયમાં જયજયકાર કરશે?

4 ગુનેગારો ઘમંડી બકવાટ કરે છે, અને ભ્રષ્ટાચારીઓ ગુનેગારી વિષે શેખી મારે છે.

5 હે પ્રભુ, તેઓ તમારા લોકને કચડે છે. તેઓ તમારા વારસાસમ પ્રજા પર જુલમ ગુજારે છે.

6 તેઓ વિધવાઓ અને દેશમાં વસતા પરદેશીઓને હણી નાખે છે; તેઓ અનાથોની હત્યા કરે છે.

7 તેઓ વિચારે છે, “યાહ આપણને જોતા નથી; યાકોબના ઈશ્વર ધ્યાન પણ દેતા નથી.”

8 અરે, જડ લોકો, જરા તો સમજો; હે અબુધો, તમારામાં ક્યારે ડહાપણ આવશે?

9 કાનને ઘડનાર ઈશ્વર, શું નહિ સાંભળે? આંખને રચનાર ઈશ્વર, શું નહિ જુએ?

10 રાષ્ટ્રોને શિક્ષા કરનાર ઈશ્વર, તથા માનવજાતને જ્ઞાન શીખવનાર પ્રભુ, શું દુષ્ટોને સજા નહિ કરે?

11 પ્રભુ મનુષ્યોના વિચારો જાણે છે; તેમના વિચારો તો હવાની ફૂંક જેવા વ્યર્થ છે.

12 હે યાહ, જેને તમે શિસ્તમાં રાખો છો, અને જેને તમારું નિયમશાસ્ત્ર શીખવો છો, તેને ધન્ય છે.

13 દુષ્ટોને સપડાવવા ખાડો ન ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી રાહત પમાડો છો.

14 પ્રભુ પોતાના લોકને તરછોડશે નહિ; તે પોતાની સંપત્તિ સમ પ્રજાનો ત્યાગ કરશે નહિ.

15 ન્યાયાલયોમાં ફરીથી ઇન્સાફ સાંપડશે, અને સર્વ સરળ જનો તેને અનુસરશે.


ગીતર્ક્તાની દશાનું વર્ણન

16 આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો?

17 જો પ્રભુએ મારી સહાય ન કરી હોત, તો હું તત્કાળ મૃત્યુના નીરવ પ્રદેશમાં વાસ કરતો હોત.

18 જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસે છે,” ત્યારે હે પ્રભુ, તમારા પ્રેમે મને ગ્રહી લીધો.

19 જ્યારે મારું અંતર ચિંતાગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તમારું સાંત્વન મારા ચિત્તને પ્રસન્‍ન કરે છે.

20 કાયદાની આડમાં ભ્રષ્ટાચાર આચરનારા દુષ્ટ શાસકો સાથે તમારે કોઈ સબંધ નથી.

21 તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે.

22 પરંતુ પ્રભુ મારા સંરક્ષક ગઢ છે, અને મારા ઈશ્વર મારા શરણરૂપી ખડક છે.

23 દુષ્ટોના અન્યાય માટે ઈશ્વર તેમને સજા કરશે અને તેમની દુષ્ટતા માટે તેમનો સંહાર કરશે; પ્રભુ, આપણા ઈશ્વર તેમનો વિનાશ કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan