ગીતશાસ્ત્ર 92 - પવિત્ર બાઇબલ C.L.નેકજનોને પુરસ્કાર તથા દુષ્ટોનો વિનાશ (ગીત, સાબ્બાથ દિન માટે ગાયન) 1 હે પ્રભુ, તમારી આભારસ્તુતિ કરવી, અને હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામનાં ગુણગાન ગાવાં તે ઉત્તમ છે. 2-3 દસ તારના તંતુવાદ્ય પર, વીણા સાથે અને તાનપુરાના મધુર સ્વર સાથે પ્રત્યેક પ્રભાતે તમારા પ્રેમ, અને પ્રત્યેક રાત્રે તમારા વિશ્વાસુપણા વિષે ગાવું તે કેવું આનંદદાયક છે! 4 હે પ્રભુ, તમે તમારાં અજાયબ કાર્યોથી મને આનંદ પમાડયો છે; તમારી સિદ્ધિઓને હું આનંદથી બિરદાવું છું. 5 હે પ્રભુ, તમારાં કાર્યો કેટલાં મહાન છે! અને તમારા વિચારો કેટલા ગહન છે! 6 જડ માણસ તે જાણી શક્તો નથી, અને નાદાન તે સમજી શક્તો નથી. 7 દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે. 8 કારણ, હે પ્રભુ, તમે સદાસર્વદા સર્વોચ્ચ સત્તાધીશ છો. 9 હે પ્રભુ, તમારા શત્રુઓ અચૂક નાશ પામશે; સર્વ ભ્રષ્ટાચારીઓ પરાજયથી વેરવિખેર થઈ જશે. 10 તમે મને જંગલી સાંઢ જેવો બળવાન બનાવ્યો છે; આનંદ દર્શાવવા મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે. 11 મેં મારી આંખે મારા શત્રુઓનો પરાજય જોયો છે; મેં મારા કાને મારા વિરોધી દુષ્ટોની ચીસો સાંભળી છે. 12 નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે. 13 જેઓ પ્રભુના ઘરમાં રોપાયેલા છે તેઓ આપણા ઈશ્વરનાં પ્રાંગણમાં ખીલશે. 14 તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે. 15 એ પરથી પ્રભુ ન્યાયી છે એની પ્રતીતિ થાય છે; તે મારા સંરક્ષક ખડક છે અને તેમનામાં કશો અન્યાય નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide