Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 91 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર આપણા રક્ષણહાર ભક્તની સાક્ષી અને ખાતરી

1 સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;

2 તે કહે છે, “પ્રભુ મારા શરણસ્થાન અને દૂર્ગ છે, મારા ઈશ્વર પર હું ભરોસો રાખું છું.”

3 એકલા તે જ તને શિકારીના ફાંદાથી અને જીવલેણ મરકીથી બચાવશે.

4 પક્ષી પોતાનાં બચ્ચાંને પીંછાથી ઢાંકે તેમ તે તેને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે. તેમનું વિશ્વાસુપણું ઢાલ અને બખ્તર સમાન રક્ષણ આપશે.

5 રાત્રિનાં જોખમો અને દિવસે ફેંકાનાર તીરથી,

6 અંધકારમાં ફેલાતી મરકીથી, અને ભર બપોરે પ્રસરતી મહામારીથી તું ડરીશ નહિ.

7 તારી ડાબી બાજુએ હજાર માણસો અને તારી જમણી બાજુએ દશ હજાર પડશે; છતાં તે મહામારી તને સ્પર્શશે નહિ.

8 તું તારી આંખોથી માત્ર તે વિનાશ જોશે, અને દુષ્ટોને મળતી સજા નિહાળશે.

9 તેં માત્ર પ્રભુનું જ શરણ સ્વીકાર્યું છે, અને સર્વોચ્ચ ઈશ્વરનો આશ્રય લીધો છે;

10 તેથી તારા પર કશી આપત્તિ આવી પડશે નહિ, અને મરકી તારા નિવાસ નિકટ આવી શકશે નહિ.

11 કારણ, તારા સર્વ માર્ગોમાં તારી રક્ષા કરવા, ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે.

12 તેઓ પોતાના હાથમાં તને ઉઠાવી લેશે; જેથી તારા પગ પથ્થરો સાથે અફળાય નહિ.

13 તું સિંહો અને સર્પોને છૂંદશે; યુવાન સિંહોને અને અજગરોને તું કચડી નાખશે.


ઈશ્વરનું વચન

14 ઈશ્વર કહે છે, “તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ.

15 તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.

16 હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan