Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 89 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરનું વિશ્વાસુપણું અને રાષ્ટ્રીય મહાસંકટ પ્રભુની સ્તુતિ
(એથાન એઝાહીનું માસ્કીલ)

1 હે પ્રભુ, હું સદા તમારા પ્રેમ વિશે ગાઈશ; મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.

2 હું કબૂલ કરું છું કે તમારો પ્રેમ સદાસર્વદા ટકે છે, અને તમારું વિશ્વાસુપણું આકાશોની જેમ સનાતન છે.

3 તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલા સેવક દાવિદ સાથે કરાર કર્યો છે, અને મેં તેની સાથે શપથ લીધા છે;

4 ‘હું તારો વંશવેલો કાયમ જાળવી રાખીશ અને તારું રાજ્યાસન પણ પેઢી દર પેઢી ટકાવી રાખીશ.” (સેલાહ)

5 હે પ્રભુ, આકાશો તમારાં અજાયબ કાર્યોની પ્રશંસા કરે છે, અને સંતોની સભા તમારા વિશ્વાસુપણા વિષે ગાય છે.

6 આકાશમંડળમાં પ્રભુ સમાન કોણ છે? અને દેવપુત્રોમાં પ્રભુ જેવો કોણ છે?

7 સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.

8 હે સેનાધિપતિ પ્રભુ ઈશ્વર, હે યાહ, તમારા સમાન પરાક્રમી કોણ છે? તમારું વિશ્વાસુપણું તમારી આસપાસ છે.

9 તોફાની સમુદ્ર પર તમે નિયંત્રણ રાખો છો; તેનાં મોજાં ઊછળે ત્યારે તમે તેનો ઉત્પાત શાંત પાડો છો.

10 તમે જ જલરાક્ષસ રાહાબને છૂંદીને મારી નાખ્યો, અને તમારા બાહુબળથી તમારા શત્રુઓને પરાજિત કર્યા.

11 આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે; સૃષ્ટિ અને તેમાંનાં સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે.

12 તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.

13 તમારો ભુજ બળવાન છે, તમારો ડાબો હાથ વિજયી અને જમણો હાથ ઉગામેલો છે.

14 નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે.

15 પર્વના હર્ષનાદોનો અનુભવ કરનાર લોકને ધન્ય છે; હે પ્રભુ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.

16 તેઓ દિનપ્રતિદિન તમારા નામમાં આનંદ કરે છે, તમારી ભલાઈ તેમને ઉન્‍નત બનાવે છે.

17 તમે જ તેમનું ગૌરવ અને સામર્થ્ય છો. તમારી કૃપાથી તમે અમને વિજયી બનાવો છો.

18 પ્રભુ તો અમારે માટે સંરક્ષક ઢાલ સમાન છે. ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અમારા રાજા છે.


દાવિદ રાજાને ઈશ્વરનું વચન

19 એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે.

20 મેં મારા સેવક દાવિદને શોધી કાઢયો છે અને મારા પવિત્ર તેલથી તેનો અભિષેક કર્યો છે.

21 મારો હાથ તેના પર સદા રહેશે અને મારો ભુજ તેને સામર્થ્ય આપશે.

22 શત્રુઓ તેને હેરાન કરી શકશે નહિ; દુષ્ટો તેને નમાવી શકશે નહિ.

23 તેની નજર સામે હું તેના વૈરીઓને કચડી નાખીશ, અને તેના દ્વેષીઓનો સંહાર કરીશ.

24 મારું વિશ્વાસુપણું અને મારો પ્રેમ સતત તેની સાથે રહેશે અને મારે નામે તે સદા વિજયી બનશે.

25 હું સમુદ્ર પર તેના ડાબા હાથનું અને નદીઓ પર તેના જમણા હાથનું શાસન સ્થાપન કરીશ.

26 તે મને કહેશે, ‘તમે મારા પિતા છો; તમે મારા ઈશ્વર મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છો.’

27 હું તેને મારો જયેષ્ઠ પુત્ર અને પૃથ્વીના રાજાઓમાં સર્વોચ્ચ બનાવીશ.

28 હું સદાસર્વદા તેના પર મારો પ્રેમ રાખીશ, અને તેની સાથેનો મારો કરાર અચલ રહેશે.

29 હું તેનો રાજવંશ કાયમ માટે સ્થાપીશ, આકાશો ટકે ત્યાં સુધી તેનું રાજ્યાસન ટકશે.

30 જો તેના વંશજો મારા નિયમનો અનાદર કરે, અને મારા આદેશો પ્રમાણે ન ચાલે;

31 જો તેઓ મારા ફરમાનોનો ભંગ કરે, અને મારી આજ્ઞાઓ ન પાળે;

32 તો હું તેમને તેમના અપરાધો માટે સોટીથી અને તેમના અન્યાય માટે ચાબુકથી સજા કરીશ.

33 છતાં હું દાવિદ પરથી પ્રેમ દૂર કરીશ નહિ. અથવા મારા વિશ્વાસુપણાને ખૂટવા દઈશ નહિ.

34 તેની સાથેનો મારો કરાર હું તોડીશ નહિ, કે મારા મુખેથી નીકળેલા એકપણ શબ્દને બદલીશ નહિ.

35 મેં કાયમને માટે મારી પવિત્રતાના શપથ લીધા છે; હું દાવિદ સાથે કદી જૂઠું બોલીશ નહિ.

36 તેનો વંશવેલો સદા ટકશે; મારી સમક્ષ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.

37 આકાશમાંના પેલા વિશ્વાસુ સાક્ષી ચંદ્ર જેવું તે સદા અવિચળ રહેશે. (સેલાહ)


રાજાના પરાજય માટે વિલાપ

38 પરંતુ હવે તમારા અભિષિક્ત રાજા પર કોપાયમાન થઈને તમે તેનો ત્યાગ કર્યો છે અને તેનો નકાર કર્યો છે.

39 તમારા સેવક સાથેના કરાર પ્રતિ તમને ઘૃણા ઊપજી છે. તેના મુગટને ધૂળમાં નાખીને ભ્રષ્ટ કર્યો છે.

40 તમે તેના નગરની દીવાલો છેદી નાખી છે, અને તમે તેના દૂર્ગને ખંડેર બનાવી દીધો છે.

41 ત્યાંથી પસાર થનારા તેને લૂંટે છે; તેના પડોશી દેશના લોકો તેની નિંદા કરે છે.

42 તમે તેના વૈરીઓનું બાહુબળ વધાર્યું છે. તમે તેના સર્વ દુશ્મનોને વિજયથી આનંદિત કર્યા છે.

43 તમે તેની તલવારને બુઠ્ઠી બનાવી દીધી છે. તમે તેને યુદ્ધમાં નિરાધાર છોડી દીધો છે.

44 તમે તેનો રાજવૈભવ છીનવી લીધો છે, અને તેના રાજ્યાસનને જમીનદોસ્ત કર્યું છે.

45 તમે તેની યુવાનીના દિવસો ટુંકાવ્યા છે, અને તેને શરમથી ઢાંકી દીધો છે. (સેલાહ)


મુક્તિ માટે પ્રાર્થનાઓ ભક્તની પ્રાર્થના

46 હે પ્રભુ, ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? ક્યાં સુધી તમારો ક્રોધ આગની જેમ સળગ્યા કરશે?

47 મારું આયુષ્ય કેટલું અલ્પ છે તે સંભારો; તમે માનવજાતને મર્ત્ય સર્જી છે તે યાદ કરો.

48 એવો કયો મનુષ્ય છે જે અમર રહે અને મૃત્યુને ન જુએ? પોતાના પ્રાણને મૃત્યુલોક શેઓલના પંજામાંથી કોણ છોડાવી શકે?(સેલાહ)

49 હે પ્રભુ, તમારા વિશ્વાસુપણાને લીધે જે પ્રેમ દાવિદ પ્રતિ દર્શાવવાના શપથ તમે લીધા તે પ્રેમ ક્યાં છે?


રાજાની પ્રાર્થના

50 હે પ્રભુ, તમારા આ સેવકનાં અપમાનો યાદ કરો; મેં કેવી રીતે મારા હૃદયમાં લોકોનાં વાકાબાણ સહ્યાં છે તે સંભારો.

51 પ્રભુ, તમારા શત્રુઓ તમારા અભિષિક્ત રાજાનું અપમાન કરે છે, જ્યાં તે પગલાં માંડે છે ત્યાં તેઓ તેને અપમાનિત કરે છે.

52 પ્રભુ સર્વકાળ ધન્ય હો! આમીન તથા આમીન!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan