ગીતશાસ્ત્ર 86 - પવિત્ર બાઇબલ C.L.સંકટમાં સહાય માટે પ્રાર્થના (દાવિદની પ્રાર્થના) 1 હે પ્રભુ, તમારા કાન ધરો અને મને ઉત્તર આપો. કારણ, હું પીડિત અને કંગાળ છું. 2 મારા પ્રાણની રક્ષા કરો; કારણ, હું તમારો ભક્ત છું, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો; તમે મારા ઈશ્વર છો. 3 હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું તમને નિરંતર પોકારું છું. 4 હે પ્રભુ, તમારા સેવકને આનંદિત કરો; કારણ, હું મારું અંત:કરણ તમારા પર લગાડું છું. 5 હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો. 6 હે પ્રભુ, મારી પ્રાર્થના પર કાન ધરો; સહાય માટેની મારી આજીજી પર લક્ષ દો. 7 મારા સંકટને સમયે હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. 8 હે પ્રભુ, અન્ય દેવોમાં તમારા સરખા ઈશ્વર કોઈ નથી. તમારાં કાર્યો જેવાં કાર્યો પણ કોઈનાં નથી. 9 હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે. 10 તમે સાચે જ મહાન છો અને અજાયબ કાર્યો કરો છો; એકમાત્ર તમે જ ઈશ્વર છો. 11 હે પ્રભુ, તમે મને તમારા માર્ગ વિષે શીખવો; જેથી હું સાચે માર્ગે ચાલું. તમારા નામની ભક્તિ કરવા મારા દયને એકાગ્ર કરો. 12 હે પ્રભુ, હું મારા પૂરા દિલથી તમારી આભારસ્તુતિ કરીશ. મારા ઈશ્વર, હું સદાસર્વદા તમારા નામનો મહિમા ગાઈશ. 13 તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો. 14 હે ઈશ્વર, અહંકારી લોકો મારા પર હુમલો કરે છે; ક્રૂર માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે; તેઓ તમારી ઉપેક્ષા કરે છે. 15 પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો. 16 મારી તરફ ફરો અને મારા પર દયા કરો. તમારા સેવકને તમારું બળ આપો, અને તમારી સેવિકાના પુત્રને બચાવો. 17 હે પ્રભુ, મને તમારી ભલાઈનું ચિહ્ન દર્શાવો કે તમે મને સહાય કરી છે તથા સાંત્વન આપ્યું છે; એ જોઈને મારા દ્વેષીઓ લજ્જિત થાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide