ગીતશાસ્ત્ર 85 - પવિત્ર બાઇબલ C.L.રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત) 1 હે પ્રભુ, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા હતા; તમે યાકોબના વંશજોને પુન: આબાદ બનાવ્યા હતા. 2 તમે તમારા લોકોના અન્યાય માફ કર્યા હતા, તેમનાં પાપ તમે ક્ષમા કર્યાં હતાં.(સેલાહ) 3 તમે તમારો રોષ સમાવ્યો હતો, અને તમારા ક્રોધાગ્નિને શાંત પાડયો હતો. 4 હવે, હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારી તરફ પાછા ફરો; અમારા પ્રત્યેનો તમારો રોષ નાબૂદ કરો. 5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમે પેઢી દર પેઢી તમારો ક્રોધ લંબાવશો? 6 હે ઈશ્વર, તમે અમને નવજીવન આપો કે જેથી તમારા લોક તમારામાં આનંદ કરે. 7 હે પ્રભુ, અમને તમારા પ્રેમનું દર્શન કરાવો, અને તમારી ઉદ્ધારક સહાય બક્ષો. ગીતર્ક્તા ઈશ્વરનો સંદેશ પ્રસિદ્ધ કરે છે. 8 હું ઈશ્વરનો સંદેશ સાંભળી રહ્યો છું; પ્રભુનો સંદેશ તેમના લોક અને તેમના વફાદાર સંતોનું કલ્યાણ કરવા અંગેનો છે; એટલું જ કે તેના લોક પુન: મૂર્ખાઈ તરફ ફરી ન જાય. 9 આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે. 10 ઈશ્વરનો પ્રેમ અને તેમના લોકની નિષ્ઠાનું મિલન થશે. લોકનો સદાચાર અને ઈશ્વરનું કલ્યાણ એકબીજાને ચુંબન કરશે. 11 લોકની નિષ્ઠા ધરતી પરથી ઊગી નીકળશે, અને ઈશ્વરની ઉદ્ધારક શક્તિ સ્વર્ગમાંથી નીચે દષ્ટિ કરશે. 12 સાચે જ પ્રભુ સમૃદ્ધિ બક્ષશે; તેથી આપણી ભૂમિ મબલક પાક ઉગાડશે. 13 ઈશ્વરની ઉદ્ધારક શક્તિ તેમની આગળ ચાલશે અને સુંદરતા તેમનાં પગલામાં અનુસરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide