Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 83 - પવિત્ર બાઇબલ C.L.


શત્રુઓના પરાજય માટે પ્રાર્થના
(આસાફનું ગીત)

1 હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો.

2 જુઓ, તમારા શત્રુઓએ બંડ મચાવ્યું છે, અને તમારા દ્વેષીઓએ વિદ્રોહમાં માથાં ઉઠાવ્યાં છે.

3 તેઓ તમારા લોક વિરુદ્ધ ષડયંત્રો રચે છે, અને તમારા સંરક્ષિત લોક વિરુદ્ધ કાવતરાં કરે છે.

4 તેઓ કહે છે, “ચાલો, આપણે તેમને એક પ્રજા તરીકે મિટાવી દઈએ જેથી ઇઝરાયલ પ્રજાના નામનું સ્મરણ સુદ્ધાં ન રહે.”

5 શત્રુઓ એકમનના થઈ મસલત કરે છે; તેઓ તમારી વિરુદ્ધ એક થવા સંધિ-કરાર કરે છે.

6 તંબૂવાસી અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,

7 ગબાલ નગરના લોકો, આમ્મોનીઓ અને અમાલેકીઓ, પલિસ્તીઓ અને તૂર નગરના નિવાસીઓ સાથે છે.

8 આશ્શૂર દેશ પણ તેમની સાથે જોડાયો છે. તેઓ લોતના વંશજો આમ્મોનીઓ અને મોઆબીઓના સમર્થ મળતિયા બન્યા છે.(સેલાહ)

9 મિદ્યાનીઓના તથા કિશોન નદી પર સીસરા અને યાબીનના તમે જે ભૂંડા હાલ કર્યા હતા તેવા હાલ તેમના પણ કરો.

10 તમે તેમને એન-દોર પાસે હરાવીને માર્યા હતા, અને તેમનાં શબ ભૂમિ પર ખાતરની જેમ પથરાયાં હતાં.

11 તમે તેમના આગેવાનોના હાલ ઓરેબ અને ઝએબ જેવા, અને તેમના શાસકોના હાલ ઝેબાહ તથા સાલમુન્‍ના જેવા કરો.

12 તેમણે કહ્યું હતું. “ચાલો, આપણે ઈશ્વરના ગૌચરપ્રદેશ ઇઝરાયલને કબજે કરી લઈએ.

13 હે મારા ઈશ્વર, તેમને વંટોળની ધૂળની જેમ વેરવિખેર કરી નાખો, તેમને પવનથી ઊડતા તણખલા જેવા કરો.

14 જેમ દાવાનળ વનને ભસ્મ કરે છે તેમ, અને જેમ આગ પર્વતોને સળગાવે છે તેમ,

15 તમારી આંધીથી તેમનો પીછો કરો, અને તમારા ભયાનક વાવાઝોડાથી તેમને ભયભીત કરો;

16 હે પ્રભુ, તેઓ શરમથી પોતાનાં મુખ સંતાડે તેવું કરો. જેથી તેઓ તમારા નામની મહત્તા સ્વીકારે.

17 તેઓ સદાને માટે પરાજયથી લજ્જિત થઈ આતંક્તિ બનો, તેઓ ખૂબ અપમાનિત થઈ નાશ પામો;

18 જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan