ગીતશાસ્ત્ર 79 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમના પતન સમયની પ્રાર્થના (આસાફનું ગીત) 1 હે ઈશ્વર, વિધર્મીઓએ તમારા વારસાસમ દેશ પર ચડાઈ કરી છે; તેમણે તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેમણે યરુશાલેમ નગરને ખંડેર બનાવી દીધું છે. 2 તેમણે તમારા સેવકોનાં શબ ગીધડાંને, અને તમારા સંતોના દેહ જંગલી પશુઓને આહાર માટે સોંપ્યાં છે. 3 યરુશાલેમમાં અને તેની ચારે તરફ શત્રુઓએ તમારા લોકના રક્તને પાણીની જેમ વહેવડાવ્યું છે, અને તેમનાં શબ દફનાવનાર પણ કોઈ નથી. 4 અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે. 5 હે પ્રભુ, ક્યાં સુધી તમે અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો આવેશ અગ્નિની જેમ સળગ્યા જ કરશે? 6 જે વિધર્મી રાષ્ટ્રો તમારો અનાદર કરે છે, અને જે પ્રજાઓ તમારે નામે પ્રાર્થના કરતી નથી, તેમના પર તમારો કોપ વરસાવો. 7 તેમણે યાકોબના વંશજો, એટલે તમારા લોકનો ભક્ષ કર્યો છે; શત્રુઓએ તેમના વસવાટને ઉજ્જડ કર્યો છે. 8 હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ. 9 હે અમારા ઉદ્ધારર્ક્તા ઈશ્વર! તમારા નામના ગૌરવને ખાતર અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને ઉગારો ને અમારાં પાપોની ક્ષમા કરો. 10 વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો. 11 તમારા લોકમાંથી બંદીવાન બનેલાઓના નિ:સાસા તમને પહોંચો, અને જેમને હણી નાખવા શત્રુઓએ નક્કી કર્યું છે, તેમને તમારા ભુજના સામર્થ્યથી ઉગારો. 12 lહે પ્રભુ, અમારી પડોશી પ્રજાઓએ તમારી કરેલી નિંદાનો સાત ગણો બદલો તેમને શિરે વાળો. 13 પછી અમે, તમારા લોક તથા તમારા વાડામાંનાં ઘેટાં, સદાસર્વદા તમારી આભારસ્તુતિ કરીશું, અને પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide