ગીતશાસ્ત્ર 78 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલના ઇતિહાસમાંથી બોધપાઠ સંદેશ સાંભળવા આમંત્રણ (આસાફનું માસ્કીલ) 1 મારા લોકો, મારા શિક્ષણ પ્રત્યે કાન ધરો અને મારા મુખના શબ્દો પર ધ્યાન દો. 2 હું તમારી સાથે બોધકથામાં વાત કરીશ; હું પ્રાચીન સમયના રહસ્યોનું વિવરણ કરીશ. 3 એ વાતો આપણા પૂર્વજોએ આપણને કહી છે; એ વાતો આપણે સાંભળી છે અને જાણી છે. 4 પ્રભુનાં સ્તુતિપાત્ર કાર્યો, તેમનું સામર્થ્ય તથા તેમનાં ચમત્કારિક કાર્યો આપણે આપણા વંશજોથી છુપાવીશું નહિ, પણ આગામી પેઢીને તે જણાવીશું. 5 પ્રભુએ ઇઝરાયલના લોકોને આજ્ઞાઓ આપી, અને યાકોબના વંશજો માટે નિયમ ઠરાવ્યો; તેમણે આપણા પૂર્વજોને એ નિયમ તેમનાં બાળકોને શીખવવાની આજ્ઞા કરી. 6 જેથી આગામી પેઢી, એટલે હવે પછી જન્મનાર બાળકો તે શીખી લે અને મોટા થઈને પોતાનાં બાળકોને તે શીખવે. 7 જેથી તે નવી પેઢી ઈશ્વર પર ભરોસો રાખે, અને તેમનાં મહાન કાર્યો વીસરી ન જાય, પરંતુ સદા તેમની આજ્ઞાઓ પાળે. 8 વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો. પૂર્વજોનો આજ્ઞાભંગ 9 એફ્રાઈમી સૈનિકો ધનુષબાણથી સજ્જ હોવા છતાં યુદ્ધના સમયે રણમેદાનમાંથી નાસી ગયા. 10 તેમણે ઈશ્વર સાથે કરેલ કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ અનુસાર વર્તવાનો ઇન્કાર કર્યો. 11 તેઓ ઈશ્વરનાં કાર્યો તથા તેમણે તેમને બતાવેલા અદ્ભુત ચમત્કારો ભૂલી ગયા. 12 ઇજિપ્ત દેશના સોઆનનાં મેદાનોમાં, તેમના પૂર્વજોની આંખો સામે ઈશ્વરે અદ્ભુત ચમત્કારો કર્યા હતા. 13 તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં. 14 ઈશ્વર દિવસે તેમને મેઘ દ્વારા માર્ગદર્શન આપતા, અને રાત્રે અગ્નિપ્રકાશ દ્વારા તેમને દોરતા. 15 તેમણે રણપ્રદેશમાં ખડકોને ફાડીને જાણે ઊંડાણોમાંથી કાઢયું હોય તેમ પોતાના લોકને અખૂટ પાણી પાયું. 16 ઈશ્વરે ખડકમાંથી જલધારાઓ વહાવી અને જલપ્રવાહને નદીઓની જેમ વહાવ્યો. 17 છતાં તેઓ ઈશ્વર વિરુદ્ધ સતત પાપ કરતા રહ્યા; અને રણપ્રદેશમાં સર્વોચ્ચ ઈશ્વરની સામે તેમણે વિદ્રોહ કર્યો. 18 તેમણે તીવ્ર લાલસાથી મનપસંદ ખોરાક માંગ્યો, અને ઇરાદાપૂર્વક ઈશ્વરની ક્સોટી કરી. 19 તેમણે ઈશ્વરનો અનાદર કરતાં કહ્યું; “શું ઈશ્વર રણપ્રદેશમાં ભોજનની વ્યવસ્થા કરી શકે? 20 જો કે ઈશ્વરે ખડક પર પ્રહાર કર્યો ને પાણી વહી નીકળ્યું, અને વેગીલા જલપ્રવાહના રેલા ચાલ્યા; પરંતુ શું તે રોટલી પણ આપી શકે? શું તે પોતાના લોકો માટે માંસનો પ્રબંધ કરી શકે?” માન્ના અને પક્ષીઓ 21 આ સાંભળીને પ્રભુ અતિ ક્રોધિત થયા; યાકોબના વંશજો વિરુદ્ધ અગ્નિ ભડકી ઊઠયો, એટલે, ઇઝરાયલના લોક વિરુદ્ધ તેમનો કોપ ભભૂક્યો. 22 કારણ, તેમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ, અને તેમની ઉદ્ધારક શક્તિ પર ભરોસો મૂક્યો નહિ. 23 છતાં ઈશ્વરે વાદળોને હુકમ કર્યો, અને આકાશનાં દ્વાર ઉઘાડી નાખ્યાં. 24 તેમણે તેમના ખોરાક માટે માન્ના વરસાવીને તેમને સ્વર્ગીય અન્ન પૂરું પાડયું. 25 માણસોએ સ્વર્ગદૂતોનો ખોરાક ખાધો; તેમને તૃપ્તિ થાય તેટલો આહાર ઈશ્વરે મોકલ્યો. 26 ઈશ્વરે આકાશમાંથી પૂર્વનો પવન ફૂંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણનો પવન ચલાવ્યો. 27 એ દ્વારા તેમણે પોતાના લોક માટે પક્ષીઓ મોકલ્યાં, ધૂળ તથા સમુદ્રકાંઠાની રેતીની જેમ તે વરસ્યાં. 28 ઈશ્વરે તેમને ઇઝરાયલના પડાવો મધ્યે, લોકોના તંબૂઓની ચારેબાજુએ પાડયાં 29 તેથી લોકો તે ખાઈને ધરાયા; ઈશ્વરે તેમની લાલસા પ્રમાણે તેમને આપ્યું; 30 પરંતુ તેમની તીવ્ર લાલસા હજુ સંતોષાઈ નહોતી અને હજી તો તેઓ ખોરાક ખાઈ રહ્યા હતા, 31 એવામાં જ ઈશ્વરનો કોપ તેમના પર ભભૂકી ઊઠયો, અને તેમણે સૌથી અલમસ્ત પુરુષોને મારી નાખ્યા અને ઇઝરાયલના સર્વોત્તમ યુવાનોને ઢાળી દીધા. લોકોની હઠીલાઈ 32 આ બધું બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા અને ઈશ્વરના અદ્ભુત ચમત્કારો પર વિશ્વાસ કર્યો નહિ. 33 તેથી ઈશ્વરે તેમના દિવસો ફૂંકની જેમ, અને તેમનાં વર્ષો આતંકમાં સમાપ્ત કર્યાં. 34 જ્યારે ઈશ્વરે તેમનામાંના કેટલાકને માર્યાં ત્યારે જ બાકીનાઓ ઈશ્વરને શોધવા લાગ્યા; તેઓ ઈશ્વર તરફ પાછા વળ્યા અને આતુરતાથી તેમને શરણે આવ્યા. 35 ત્યારે જ તેમને યાદ આવ્યું કે ઈશ્વર તેમના સંરક્ષક ખડક છે, અને સર્વોચ્ચ ઈશ્વર જ તેમના મુક્તિદાતા છે. 36 છતાં તેમણે મુખથી ઈશ્વરની ખોટી ખુશામત કરી અને પોતાની જીભે તેમની સામે જૂઠું બોલ્યા. 37 કારણ, તેમનાં હૃદય ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન નહોતાં અને ઈશ્વરે તેમની સાથે કરેલા કરારમાં તેઓ વફાદાર નહોતા. 38 છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ, 39 કારણ, ઈશ્વરે સંભાર્યું કે તેઓ ક્ષુદ્ર મનુષ્યો છે અને તેઓ તો ગયા પછી પાછો ન આવનાર વાયુ જેવા છે. ઇજિપ્તમાંથી મુક્તિના બનાવ પર દષ્ટિપાત 40 તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા! 41 પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા. 42 તેઓએ ઈશ્વરનું બાહુબળ ધ્યાનમાં લીધું નહિ, અને તેમણે તેમને શત્રુઓથી છોડાવ્યા હતા તે દિવસ વીસરી ગયા. 43 ઈશ્વરે તો ઇજિપ્તના સોઆનના મેદાનમાં અજાયબ કાર્યો અને અદ્ભુત ચમત્કારો કર્યાં હતાં. 44 તેમણે ઇજિપ્તનાં નદીનાળાંનાં પાણી રક્તમાં ફેરવી દીધાં હતાં, તેથી ઇજિપ્તવાસીઓ તેમનાં પાણી પી ન શક્યા. 45 તેમણે ડાંસના ઝૂંડેઝૂંડ ત્યાં મોકલ્યાં, જેમણે તેમને કરડી ખાધા, અને ઈશ્વરે મોકલેલાં દેડકાંઓએ ઇજિપ્તની ભૂમિને ખરાબ કરી મૂકી. 46 તેમણે તેમનો ઊભો પાક કાતરાને તથા તેમના સખત પરિશ્રમની પેદાશ તીડોને સુપરત કર્યાં. 47 તેમણે તેમના દ્રાક્ષવેલાઓનો કરાથી તથા તેમનાં ગુલ્લરવૃક્ષોનો હિમથી નાશ કર્યો 48 તેમણે કરાથી તેમનાં ઢોરઢાંકનો અને વીજળીથી તેમનાં ઘેટાંબકરાંનો નાશ કર્યો. 49 વિનાશક દૂતો, એટલે રોષ, કોપ તથા આફત મોકલીને તેમણે પોતાનો કોપ પ્રગટાવ્યો. 50 તેમણે પોતાના કોપને વાસ્તે માર્ગ તૈયાર કર્યો; તેમણે તેમના પ્રાણ મૃત્યુથી બચાવ્યા નહિ અને તેમના જીવ મરકીને સ્વાધીન કર્યા. 51 તેમણે ઇજિપ્તના સર્વ પ્રથમજનિત પુત્રોને હણી નાખ્યા; હામના તંબૂઓમાં તેમના પૌરુષત્વનાં પ્રથમફળરૂપી પુત્રોને રહેંસી નાખ્યા. 52 પછી પાલક ઘેટાંને દોરે તેમ તે પોતાના લોકને કાઢી લાવ્યા અને વેરાનપ્રદેશમાં તેમને ટોળાંની પેઠે દોરી ગયા. 53 તે તેમને સુરક્ષિત રીતે દોરી લાવ્યા; જેથી તેઓ ભયભીત થયા નહિ; પરંતુ સમુદ્રે તેમના શત્રુઓને ડુબાડી દીધા. 54 તે તેમને પોતાના પવિત્ર દેશમાં એટલે, પોતાના બાહુબળથી જીતેલા પહાડી પ્રદેશમાં લાવ્યા. 55 પોતાના લોકે આગેકૂચ કરી તેમ ઈશ્વરે ત્યાંના વતનીઓને હાંકી કાઢયા અને તેમની ભૂમિ ઇઝરાયલનાં કુળોને વહેંચી આપી, અને તેમના તંબૂઓમાં પોતાના લોકને વસાવ્યા. વચનના પ્રદેશ કનાનમાં 56 છતાં ઇઝરાયલના લોકોએ સર્વોચ્ચ ઈશ્વરની ક્સોટી કરી, અને તેમની સામે વિદ્રોહ કર્યો અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું નહિ. 57 તેઓ પોતાના પૂર્વજો જેવા વિદ્રોહી અને બેવફા બન્યા અને વાંકા ધનુષ્યના તીરની જેમ આડે રસ્તે ચડી ગયા. 58 વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્ન કર્યો. 59 એ વિષે સાંભળીને ઈશ્વર કોપાયમાન થયા; તેમણે ઇઝરાયલના લોકોને સદંતર ધૂર્ત્ક્યા. 60 શિલોહમાંના પોતાના નિવાસસ્થાનને અને માણસો વચ્ચેના તેમના મંડપને તેમણે તજી દીધો. 61 તેમના સામર્થ્ય અને ગૌરવના પ્રતીક્સમી કરારપેટી તેમણે દુશ્મનોના હાથમાં પડવા દીધી. 62 ઈશ્વર પોતાના વારસાસમ લોક પર કોપાયમાન થયા હતા, તેથી તેમણે તેમને તરવાર દ્વારા મરણને સ્વાધીન કર્યા. 63 તેમના શ્રેષ્ઠ યુવાનો અગ્નિથી બળી મર્યા, ત્યારે યુવાન કન્યાઓનાં લગ્નગીત ગવાયાં નહિ. 64 તેમના યજ્ઞકારો તલવારથી માર્યા ગયા ત્યારે તેમની વિધવાઓ શોકગીત પણ ગાઈ શકી નહિ. 65 આખરે પ્રભુ જાણે નિદ્રામાંથી જાગ્રત થયા, અને મદિરાપાન પછી ગર્જના કરતા વીરયોદ્ધાની જેમ ઊઠયા. 66 તેમણે શત્રુઓને મારીને નસાડી દીધા; સદાને માટે તેમને પરાજયથી લજ્જિત કર્યા. ઈશ્વરની દોરવણી 67 ઈશ્વરે યોસેફના કુળનો પ્રદેશ અમાન્ય કર્યો અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું. 68 તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો. 69 ત્યાં ઈશ્વરે સ્વર્ગમાંના પોતાના નિવાસસ્થાન જેવું મંદિર બનાવ્યું અને તેને સનાતન પૃથ્વી જેવું દઢ બનાવ્યું 70 તેમણે પોતાના સેવક દાવિદને પસંદ કર્યો, અને ઘેટાંનાં વાડામાંથી તેને બહાર લાવ્યા. 71 તે દૂઝણી ઘેટીઓની કાળજી લેતો હતો ત્યાંથી લઈને તેને પોતાના લોક યાકોબના વંશજોનો ઘેટાંપાલક, એટલે પોતાના વારસ ઇઝરાયલના રાજપાલક તરીકે નીમ્યો. 72 દાવિદે દયની નિષ્ઠાથી લોકનું પાલન કર્યું અને કુશળ હાથોથી તેમને દોર્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide