ગીતશાસ્ત્ર 77 - પવિત્ર બાઇબલ C.L.દુ:ખમાં દિલાસો સહાય માટે પોકાર (સંગીત સંચાલક માટે સૂચના: યદૂથૂન રાગ પ્રમાણે, આસાફનું ગીત) 1 હું મદદ માટે ઈશ્વરને પોકારું છું; હું ઉદ્વેગમાં તેમને મોટેથી પોકારું છું કે તે મારું સાંભળે. 2 સંકટને સમયે હું પ્રભુને શોધું છું; રાતભર થાકયા વગર હું પ્રાર્થનામાં મારા હાથ જોડી રાખું છું; મારા પ્રાણે પણ સાંત્વન સ્વીકારવાની ના પાડી. 3 ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં હું ઊંડા નિસાસા નાખું છું; મનોમંથન કરતાં મારો આત્મા બેહોશ બની જાય છે. (સેલાહ) ભક્તની દશાનું વર્ણન 4 તમે મને મારી આંખો પણ મીંચવા દેતા નથી, વ્યાકુળતાને કારણે હું બોલી શક્તો નથી. 5 હું આગલા દિવસોનો વિચાર કરું છું, અને વીતેલાં વર્ષોનું પણ સ્મરણ કરું છું. 6 રાત્રે મને મારા ગાયેલા ગીતના શબ્દો સાંભરે છે. હું મનન કરું છું ત્યારે મારા આત્મામાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે, 7 શું પ્રભુ સદાને માટે આપણને તજી દેશે? શું તે ફરી કદી પ્રસન્ન નહિ થાય? 8 શું તેમના પ્રેમનો અંત આવ્યો છે? શું તેમનું વચન સદાને માટે રદબાતલ થશે? 9 શું ઈશ્વર દયા દર્શાવવાનું વીસરી ગયા છે? કે ક્રોધને લીધે તેમણે અનુકંપા અટકાવી દીધી છે? (સેલાહ) 10 ત્યારે મેં કહ્યું, “મને એ વાતનું ભારે દુ:ખ છે કે સર્વોચ્ચ ઈશ્વરનો જમણો હાથ હવે અમને સાથ દઈ રહ્યો નથી.” ઈશ્વરનાં મહાન કાર્યો 11 હે યાહ, અમારા પ્રભુ, હું તમારાં મહાન કાર્યોનું સ્મરણ કરીશ; હું પુરાતન કાળના તમારા ચમત્કારો સંભારીશ. 12 હું તમારાં સર્વ કામો વિષે ચિંતન કરીશ, અને તમારાં પરાક્રમી કૃત્યો પર મનન કરીશ. 13 હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્ર છે! અમારા ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે? 14 તમે તો ચમત્કારો કરનાર ઈશ્વર છો; તમે પ્રજાઓને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. 15 તમારા ભુજથી તમે તમારા લોકને, એટલે, યાકોબ અને યોસેફના વંશજોને મુક્ત કર્યા છે.(સેલાહ) 16 હે ઈશ્વર, પાણી તમને જોઈને સ્તબ્ધ થઈ ગયાં; ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાં. 17 વાદળોએ વરસાદ વરસાવ્યો; આકાશોએ ગર્જના કરી; ચારે દિશાઓમાં વીજળી ચમકી ઊઠી. 18 તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી. 19 તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ. 20 ઘેટાંપાલક ટોળાને દોરે તેમ મોશે તથા આરોન દ્વારા તમે તમારા લોકને દોર્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide