ગીતશાસ્ત્ર 76 - પવિત્ર બાઇબલ C.L.વિજયવંત ઈશ્વર (સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્યોની સાથે ગાવા માટે આસાફનું ગીત) 1 ઈશ્વર યહૂદિયાના પ્રદેશમાં વિખ્યાત છે, ઇઝરાયલમાં તેમનું નામ મહાન છે 2 શાલેમ નગરમાં તેમનો મંડપ છે, અને સિયોન પર્વત પર તેમનું નિવાસસ્થાન છે 3 ત્યાં પોતાની વીજળીના કડાકાથી તેમણે શત્રુનાં ધનુષ્યો, ઢાલો, તલવારો અને યુદ્ધના શસ્ત્રોને ભાંગી નાખ્યાં. (સેલાહ) 4 હે ઈશ્વર, તમે તેજોમય છો, અને સનાતન પર્વતમાળાઓથીય અધિક ભવ્ય છો. 5 શત્રુના શૂરવીર સૈનિકોનું સર્વસ્વ લૂંટાયું છે; તેઓ ચિરનિદ્રામાં પોઢયા છે અને પરાક્રમી યોદ્ધાઓના શસ્ત્રવિહીન હાથ હવે કશું કરી શકે તેમ નથી. 6 હે યાકોબના ઈશ્વર, તમારી ધમકીથી અશ્વો અને અશ્વસ્વારો મૃત્યુની ચિરનિદ્રામાં સૂતા છે. 7 હે પ્રભુ, તમે ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી સન્મુખ કોણ ઊભું રહી શકે? 8-9 તમે સ્વર્ગમાંથી તમારો ન્યાયચુકાદો સંભળાવ્યો અને તમારા ઇન્સાફનો અમલ કરવા તથા પૃથ્વીના સર્વ પીડિતોને ઉગારવા તમે ઊઠયા, ત્યારે પૃથ્વી ભયથી સ્તબ્ધ બની ગઈ. (સેલાહ) 10 હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે. 11 તમારા ઈશ્વર પ્રભુની આગળ લીધેલી માનતાઓ પૂર્ણ કરો; તેમની ચારેબાજુ એકઠા થયેલા લોકો ભયાવહ ઈશ્વરની પાસે ભેટો લાવો. 12 ઈશ્વર સરદારોના ગર્વનું ખંડન કરશે; પૃથ્વીના રાજાઓ માટે તે ભયાવહ છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide