ગીતશાસ્ત્ર 73 - પવિત્ર બાઇબલ C.L.ત્રીજો ખંડ ( 73—89 ગીતો) ઈશ્વરના ઇન્સાફનો વિજય ગીતર્ક્તાની દ્વિધા (આસાફનું ગીત) 1 ઇઝરાયલી લોકોમાં શુદ્ધ દયવાળા માટે ઈશ્વર સાચે જ ભલા છે. 2 પરંતુ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી; અને મારાં પગલાં લપસી પડવાની તૈયારીમાં હતાં. 3 કારણ, મેં દુષ્ટ લોકોની આબાદી નિહાળી અને તે ઘમંડી લોકો પર મને ઈર્ષા થઈ આવી. દુષ્ટોનું વર્ણન 4 દુષ્ટોનું મૃત્યુ ફાંસીએ થતું નથી; એથી ઊલટું, તેમનાં શરીર પણ તંદુરસ્ત અને મજબૂત હોય છે. 5 અન્ય માણસોની જેમ તેમને મુશ્કેલીઓ નડતી નથી અને બીજા માણસોની જેમ તેમનાં પર દુ:ખો આવતાં નથી. 6 તેથી અહંકાર દુષ્ટોના ગળાનો હાર છે અને જુલમ તેમનો પોશાક છે. 7 તેમની આંખો ઘમંડથી ભરેલી હોય છે, અને દુષ્ટ વિચારોથી તેમનાં મન ઊભરાય છે. 8 દુષ્ટો બીજાઓને ધૂત્કારે છે અને તેમના વિષે ભૂંડી વાતો કરે છે. તેઓ અહંકારપૂર્વક જુલમ ગુજારવાની ધમકી આપે છે. 9 દુષ્ટો તેમનું મુખ આકાશના ઈશ્વર વિરુદ્ધ ઉઠાવે છે: તેમની જીભ પૃથ્વી પર ફરી વળે છે. 10 તેથી માણસો તેમની પાછળ પાછળ જાય છે, અને દુષ્ટોની વાતો આતુરતાથી માની લે છે. 11 દુષ્ટો કહે છે, “ઈશ્વર કેવી રીતે જાણી શકે? અને શું સર્વોચ્ચ ઈશ્વર પાસે કંઈ જ્ઞાન છે?” 12 અરે, દુષ્ટો તો આવા હોય છે; તેમને સદા નિરાંત હોય છે અને તેમનું ધન વયા જ કરે છે. ગીતર્ક્તાનો સંદેહ 13 મારા દયને શુદ્ધ રાખવાનો કંઈ અર્થ ખરો? અને મેં મારા હાથ નિર્દોષ રાખ્યા તેથી શો લાભ થયો? 14 હે ઈશ્વર, હું તો આખો વખત પીડા ભોગવું છું, અને દર સવારે મને શિક્ષા કરવામાં આવે છે. 15 જો મેં આવી વાતો ઉચ્ચારી હોત, તો મેં ઈશ્વરના લોકનો દ્રોહ કર્યો હોત. 16 મેં આ સમસ્યા સમજવા ઊંડો વિચાર કર્યો, ત્યારે મને એ વાત અતિ કઠિન લાગી. દુષ્ટોનો આખરી અંજામ 17 પરંતુ કેવળ ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જવાથી જ મને દુષ્ટોના આખરી અંજામ વિષે સાચી સમજ પડી. 18 સાચે જ તમે દુષ્ટોને લપસણા સ્થાનોમાં મૂકો છો, અને તમે તેમને વિનાશના ગર્તમાં ગબડાવી દો છો 19 તેઓ ક્ષણમાં જ પાયમાલીનો ભોગ બને છે અને આતંકો દ્વારા ઘસડી જવાય છે. 20 જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો. નેકજનોની સાર્વકાલિક સલામતી 21 જ્યારે મારું મન ખાટું થયું હતું અને મારા અંત:કરણમાં બળતરા થતી હતી, 22 ત્યારે હું તો મૂર્ખ અને અજ્ઞાન હતો, અને તમારા પ્રત્યે પશુ સમાન જડ હતો. 23 છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે. 24 તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો. 25 તમારા સિવાય સ્વર્ગમાં મારું કોણ છે? અને પૃથ્વી પર મને બીજા કોઈની ઝંખના નથી. 26 મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે. 27 તમારાથી દૂર થનારા નિ:સંદેહ નાશ પામશે; તમારા પ્રત્યે બેવફા થનારાઓને તમે સમૂળગા નષ્ટ કરશો. 28 પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે; હે પ્રભુ પરમેશ્વર, હું તો તમારે શરણે આવ્યો છું, જેથી હું તમારાં સર્વ અજાયબ કાર્યો પ્રગટ કરું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide