ગીતશાસ્ત્ર 71 - પવિત્ર બાઇબલ C.L.વૃદ્ધ માણસની પ્રાર્થના 1 હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું. મને કદી લજ્જિત ન થવા દો. 2 તમારા વિશ્વાસુપણાને લીધે મને છોડાવો અને ઉગારો. તમારા કાન મારી તરફ ધરો અને મને બચાવો. 3 તમે મારા રક્ષણ માટે શરણગઢ બનો; કારણ, તમે મને બચાવવાનું વચન આપ્યું છે; તમે જ મારા ખડક અને ગઢ છો. 4 હે મારા ઈશ્વર, દુષ્ટોના હાથમાંથી તથા અન્યાયી અને ઘાતકી માણસોની પકડમાંથી મને છોડાવો. 5 હે પ્રભુ, મારી આશા તમારા પર જ છે; હે પ્રભુ, નાનપણથી જ હું તમારા પર ભરોસો રાખું છું. 6 હું માતાના ઉદરમાં હતો ત્યારથી જ તમે મારા આધાર બન્યા છો; અને જન્મ્યો ત્યારથી તમે મારા રક્ષક છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ. 7 હું ઘણાંને માટે સંકેતરૂપ થઈ પડયો છું; કારણ, તમે મારા આશ્રયના ગઢ બન્યા છો. 8 મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર છે. આખો દિવસ હું તમારી શ્રેષ્ઠતા પ્રગટ કરું છું. 9 મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો. 10 મારી હત્યા કરવા તાકી રહેનારા અંદરોઅંદર મસલત કરે છે; મારા શત્રુઓ મારે વિષે આવી વાતો કરે છે: 11 “ઈશ્વરે તેનો ત્યાગ કર્યો છે, અને તેને બચાવનાર કોઈ જ નથી. તેથી ચાલો, આપણે તેનો પીછો કરી તેને પકડી પાડીએ.” 12 હે ઈશ્વર, મારાથી દૂર ન રહો. હે મારા ઈશ્વર, સત્વરે મારી મદદે આવો. 13 મારા પર આક્ષેપ મૂકનારા લજ્જિત થઈ નાશ પામો; મને હાનિ પહોંચાડવા યત્ન કરનારા નિંદા અને અપમાનથી ઢંકાઈ જાઓ. 14 હું નિરંતર તમારા પર આશા રાખીશ, અને હું તમારું સ્તવન અધિક્ધિક કરીશ. 15 મારું મુખ તમારી ભલાઈ અને તમે કરેલાં ઉદ્ધારનાં કાર્યો નિત્ય પ્રગટ કરશે; જો કે હું તેમની સંખ્યા જાણતો નથી! 16 હે પ્રભુ, હું તમારાં પરાક્રમી કામોનું વર્ણન કરતાં તમારા ઘરમાં આવીશ; હે પરમેશ્વર, હું માત્ર તમારી ભલાઈનાં કાર્યો જ વર્ણવીશ. 17 હે ઈશ્વર, હું નાનો હતો ત્યારથી તમે મને શીખવ્યું છે, અને હજુ પણ હું તમારાં અદ્ભુત કાર્યો પ્રગટ કરું છું. 18 હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું. 19 હે ઈશ્વર, તમારું વિશ્વાસુપણું આકાશ સુધી પહોંચે છે, તમે મહાન કાર્યો કર્યાં છે. હે ઈશ્વર, તમારા સમાન કોણ છે? 20 જો કે તમે મને ઘણાં પીડાકારક સંકટો જોવાં દીધાં છે, પરંતુ તમે મને નવજીવન આપશો અને પૃથ્વીના ઊંડાણોમાંથી તમે મને પાછો ઉપર કાઢી લાવશો. 21 તમે મને હજુ વધુ માનવંત બનાવશો, અને તમે મને પુન: સાંત્વન આપશો. 22 હે મારા ઈશ્વર, તમારા વિશ્વાસુપણાને લીધે હું વીણા સાથે તમારી આભારસ્તુતિ ગાઈશ. હે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, હું તાનપુરા સાથે તમારાં સ્તોત્રો ગાઈશ. 23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો જયજયકાર કરશે, અને મારો ઉદ્ધાર પામેલો પ્રાણ તમારામાં હરખાશે. 24 મારી જીભ પણ નિત્ય તમારા વિશ્વાસુપણા વિષે વાત કરશે; કારણ, મારું ભૂંડું કરવા મથનારા લજ્જિત થઈ અપમાનિત બન્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide