ગીતશાસ્ત્ર 7 - પવિત્ર બાઇબલ C.L.ન્યાય માટે પ્રાર્થના (બિન્યામીન કુળના કૂશ વિષે પ્રભુ સમક્ષ ગાયેલું દાવિદનું શિગ્ગાયોન) 1 હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારે શરણે આવ્યો છું, મારો પીછો કરનારાઓથી મને છોડાવો અને મારો બચાવ કરો; 2 નહિ તો તેઓ મને સિંહની જેમ ઘસડી જશે, મને ફાડીને ચીરી નાખશે, અને મને કોઈ છોડાવી શકશે નહિ. 3-4 હે પ્રભુ, મારા ઈશ્વર, જો અન્યાયથી મારા હાથ ખરડાયા હોય, મિત્રની ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળ્યો હોય, જો મારા શત્રુ પર અકારણ હિંસા આચરી હોય, જો મેં આવું કંઈ કર્યું હોય, 5 તો મારા શત્રુઓ મારો પીછો કરી મને પકડી પાડો; તેઓ મારા જીવને ખૂંદી કાઢો, અને તેઓ મારી આબરુ ધૂળમાં રગદોળો. (સેલાહ) 6 હે પ્રભુ, તમે તમારા ક્રોધમાં ઊઠો. મારા શત્રુઓના રોષનો પ્રતિકાર કરો, મારે માટે જાગ્રત થાઓ, અને મને ન્યાય અપાવો. 7 વિશ્વની બધી પ્રજાઓને તમારી પાસે એકત્ર કરો, અને તેમની મધ્યે તમે ઊંચા ન્યાયાસને બિરાજો. 8 હે પ્રભુ, સમસ્ત માનવજાતના ન્યાયાધીશ, મારું સદાચરણ અને મારી નિષ્ઠાને લક્ષમાં લઈ ન્યાય કરો. 9 તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો. 10 ઈશ્વર તો મારે માટે રક્ષણ કરનારી ઢાલ સમા છે; તે નિખાલસ દયવાળાઓને બચાવે છે. 11 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે; તે હંમેશા દુષ્ટતાને વખોડે છે. 12 જો દુષ્ટો પાપથી વિમુખ નહિ થાય, તો ઈશ્વર પોતાની તલવાર ઘસીને ધારદાર બનાવશે. તેમણે પણછ ખેંચીને પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું છે. 13 તેમણે પોતાનાં ક્તિલ શસ્ત્રો ઉપાડયાં છે, અને પોતાનાં અગ્નિબાણો તાક્યાં છે. 14 જુઓ, દુષ્ટોને દુષ્ટતાનો ગર્ભ રહે છે, તેઓ ઉપદ્રવને ઉદરમાં ઉછેરે છે, અને જૂઠાણાંને જન્મ આપે છે! 15 બીજા માટે ખોદેલા ખાડાઓમાં દુષ્ટો પોતે જ ફસાઈ પડે છે. 16 તેમની હિંસા તેમના જ મસ્તક પર પાછી આવશે; તેમનો જુલમ તેમના જ તાલકા પર આવી પડશે. 17 પ્રભુના ન્યાયને લીધે હું તેમની સ્તુતિ કરું છું; હું ‘યાહવે - એલ્યોન’ એટલે, સર્વોચ્ચ પ્રભુનો જયજયકાર ગાઉં છું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide