Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 69 - પવિત્ર બાઇબલ C.L.


ઉગારવા માટે આર્તનાદ
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ, કમલ ફૂલ ચ-હિબ્રૂ: શોશાન્‍નીમૃ-દાવિદનું ગીત)

1 હે ઈશ્વર, મને ઉગારો, કેમ કે મારા ગળા સુધી પાણી ચઢી આવ્યું છે.

2 હું ઊંડા કીચડમાં ડૂબી રહ્યો છું, અને પગ ટેકવવા કશો આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડયો છું, અને મારે માથે છોળો ફરી વળી છે.

3 મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.

4 વિનાકારણ મારી ઘૃણા કરનારા મારા માથાના વાળ કરતાં વધારે છે. મારો નાશ કરવા ઇચ્છનારા બળવાન છે અને તેઓ વિનાકારણ મારા શત્રુઓ બન્યા છે. જે મેં ચોર્યું નથી તે હું કઈ રીતે પાછું આપું?

5 હે ઈશ્વર, મારો દોષ તમારાથી છુપાયેલો નથી, અને તમે મારી મૂર્ખતા જાણો છો.

6 હે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, તમારી પ્રતીક્ષા કરનારા મારે કારણે લજ્જિત ન બનો. હે ઇઝરાયલના ઈશ્વર, તમારા આતુર ઉપાસકો મારે કારણે અપમાનિત ન બનો.

7 તમારે લીધે મેં નિંદા વેઠી છે; મારું મુખ શરમથી છવાઈ ગયું છે.

8 હું મારા ભાઈઓ માટે અજાણ્યા જેવો અને મારા માજણ્યાઓ માટે પરદેશી જેવો બન્યો છું.

9 તમારા મંદિર માટેની લગની મને ખાઈ નાખે છે; તમારા નિંદકો તમારી નિંદા કરે ત્યારે હું અપમાન અનુભવું છું.

10 જ્યારે ઉપવાસ સહિત રુદનમાં મેં મારો પ્રાણ રેડી દીધો, ત્યારે એ પણ મારી નિંદાનું નિમિત્ત બન્યું.

11 જ્યારે મેં શોકમાં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે હું તેમને માટે ચર્ચાસ્પદ થઈ પડયો.

12 ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે.

13 પરંતુ હે પ્રભુ, હું તો તમને જ પ્રાર્થના કરું છું. હે ઈશ્વર, તમારી સદ્ભાવના દાખવવાના આ સમયે તમારા મહાન પ્રેમને લીધે તમારા વિશ્વાસુપણામાં તમારાં ઉદ્ધારક કાર્યો વડે મને ઉત્તર દો.

14 મને કીચડમાંથી બહાર ખેંચી કાઢો, મને ડૂબવા ન દો; મને મારા શત્રુ, મૃત્યુથી બચાવો અને ઊંડા પાણીથી મને ઉગારો.

15 જોજો કે, પાણીની છોળો મને ડૂબાવી ન દે, ઊંડાણ મને ગળી ન જાય, અને કબર તેનું મુખ મારા પર બંધ કરી ન દે.

16 હે પ્રભુ, તમારા પ્રેમથી ભલમનસાઈ રાખીને મને ઉત્તર દો; તમારી અસીમ અનુકંપાથી મારી તરફ ફરો.

17 તમારા આ સેવકથી તમારું મુખ સંતાડશો નહિ; હું સંકટમાં છું; મને સત્વરે ઉત્તર દો.

18 મારી સમીપ આવી મારા પ્રાણને છોડાવો. મારા શત્રુઓથી મને મુક્ત કરો.

19 તમે મારાં નિંદા, શરમ અને કલંકથી માહિતગાર છો; અને તમે મારા વૈરીઓથી અજાણ નથી.

20 મારા વૈરીઓની નિંદાથી મારું હૃદય હતાશ થઈ ભાંગી પડયું છે. મેં સહાનુભૂતિની આશા રાખી, પણ તે મળી નહિ, અને સાંત્વન દેનારની પ્રતીક્ષા કરી, પણ કોઈ મળ્યું નહિ.

21 તેમણે મારા ખોરાકમાં ઝેર ભેળવ્યું. મને તરસ લાગી ત્યારે તેમણે આસવનો સરકો પીવા આપ્યો.

22 તેમની મિજબાનીઓ તેમને માટે જાળરૂપ બનો અને તેમનાં પવિત્ર ભોજનો તેમને માટે ફાંદારૂપ બનો.

23 તેમની આંખો જોઈ ન શકે તેવી અંધકારમય બનાવી દો; તેમની કમરો સતત ધ્રૂજ્યા કરે એવી નબળી કરી દો;

24 તેમના પર તમારો કોપ વરસાવો; તમારો ક્રોધાગ્નિ તેમને પકડી પાડો.

25 તેમની છાવણીઓ ઉજ્જડ બનો; તેમના તંબૂઓમાં કોઈ વાસ ન કરો.

26 કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે.

27 તેમની અનીતિ માટે તેમને સજા પર સજા ફટકારો, અને તમારા ઉદ્ધારથી તેમને વંચિત રાખો.

28 જીવનના પુસ્તકમાંથી તેમનાં નામ ભૂંસી નાખો; સદાચારીઓમાં એમની નોંધ ન રાખો.

29 પરંતુ હું પીડિત છું અને વેદના અનુભવું છું. હે ઈશ્વર, તમારી ઉદ્ધારક શક્તિથી મને ઊંચો ઉઠાવો.


આભારદર્શન

30 હું ગીતોથી ઈશ્વરના નામની સ્તુતિ કરીશ, અને આભારસ્તુતિ દ્વારા હું તેમની મહાનતા પ્રગટ કરીશ.

31 એ સ્તુતિ પ્રભુને ગોધાના બલિ કરતાં અને પુખ્ત આખલાના બલિ કરતાં વધુ પસંદ પડશે.

32 પીડિતજનો તે જોઈને આનંદ પામશે; હે ઈશ્વરના શોધકો, તમારાં હૃદયો નવજીવન પામો.

33 પ્રભુ ગરીબોનું સાંભળે છે, અને કેદમાં પડેલા પોતાના લોકોને વીસરી જતા નથી.

34 આકાશ અને પૃથ્વી ઈશ્વરનું સ્તવન કરો, સમુદ્રો અને તેમાંનાં સર્વ જળચરો તેમની સ્તુતિ કરો;

35 કારણ, ઈશ્વર સિયોન નગરને બચાવશે, અને યહૂદિયા પ્રદેશનાં નગરોને ફરી બાંધશે; તેમના લોકો ત્યાં વસશે અને તે ભૂમિને કબજે કરશે.

36 તેમના ભક્તોના વંશજો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, અને તેમના નામ પર પ્રીતિ કરનારાં તેમાં વસશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan