ગીતશાસ્ત્ર 68 - પવિત્ર બાઇબલ C.L.વિજયનું રાષ્ટ્રીય ગીત (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 ઈશ્વર જેવા ઊભા થાય છે કે તેમના શત્રુઓ વિખેરાઈ જાય છે. તેમના દ્વેષીઓ પરાજય પામી નાસી છૂટે છે. 2 જેમ ધૂમાડો ઊડી જાય છે તેમ ઈશ્વર તેમને હાંકી કાઢે છે. જેમ અગ્નિ સમક્ષ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વર સમક્ષ નાશ પામે છે. 3 પરંતુ નેકજનો આનંદ કરે છે; તેઓ ઈશ્વર સમક્ષ હરખાય છે, અને તેઓ આનંદોલ્લાસથી હર્ષનાદ કરે છે. 4 ઈશ્વરનું સ્તવન કરો; તેમના નામની સ્તુતિ ગાઓ; વાદળો પર સવારી કરનાર ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો; તેમનું નામ યાહ છે, તેમની સંમુખ ઉલ્લાસ કરો. 5 અનાથોના પિતા અને વિધવાઓના હિમાયતી એવા ઈશ્વર પોતાના પવિત્ર નિવાસસ્થાનમાં છે. 6 ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે. 7 હે ઈશ્વર, તમે તમારા લોકની આગળ ચાલ્યા, અને તમે રણપ્રદેશમાં થઈને કૂચ કરી. (સેલાહ) 8 તે સમયે, હે ઇઝરાયલના ઈશ્વર, સિનાઈ પર્વત પર તમારી સમક્ષ ધરતી ધ્રૂજી ઊઠી, અને આભ વરસી પડયું. 9 હે ઈશ્વર, તમે મુશળધાર વરસાદ મોકલ્યો. તમે જ આપેલ વારસાનો પ્રદેશ સુક્યો ત્યારે તમે તેને તરબોળ કર્યો. 10 તમારા પોતાના લોકો ત્યાં વસ્યા; હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે કંગાલોનું પોષણ કર્યું. 11 પ્રભુએ આદેશ આપ્યો, અને પછી જે બન્યું તે નારીવૃંદના ગીતમાં ઘોષિત થયું છે: 12 રાજાઓ અને તેમનાં સૈન્યો નાસી છૂટે છે. તેઓ નાસી જાય છે અને ઘેર રહેનારી સ્ત્રીઓને પણ લૂંટમાં ભાગ મળે છે. 13 તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી. 14 જ્યારે સર્વસમર્થ ઈશ્વરે રાજાઓને વેરવિખેર કરી નાખ્યા ત્યારે જાણે સાલ્મોન પર્વત પર હિમવર્ષા થયા જેવું લાગ્યું. 15 હે ઉન્નત પર્વત બાશાન, હે ઘણાં શિખરોવાળા બાશાન પર્વત! 16 હે ઘણાં શિખરોવાળા પર્વત, ઈશ્વરે પોતાના નિવાસ માટે પસંદ કરેલા પર્વતને તું ઈર્ષાથી કેમ જુએ છે? પ્રભુ ત્યાં સદાસર્વદા વાસ કરશે! 17 પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે. 18 તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો. 19 પ્રભુને ધન્યવાદ હો; એ આપણા ઉદ્ધારર્ક્તા ઈશ્વર પ્રતિદિન આપણા બોજ ઊંચકી લે છે. 20 ઈશ્વર જ આપણો ઉદ્ધાર કરનાર છે; આપણા ઈશ્વર યાહવે પાસે મૃત્યુમાંથી છૂટવાના માર્ગો છે. 21 સાચે જ, ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં અને પાપમાં રચ્યાપચ્યા રહેનારાની જુલ્ફાંવાળી ખોપરીઓ ભાંગી નાખશે. 22 પ્રભુ કહે છે, “હું તમારા દુશ્મનોને બાશાનમાંથી પાછા લાવીશ; હું તેમને સમુદ્રના ઊંડાણોમાંથી કાઢી લાવીશ; 23 જેથી તમે તેમના રક્તમાં પગ ખૂંદીને ચાલી શકો, અને તમારા કૂતરાઓની જીભોને વૈરીઓનું રક્ત ચાટી ખાવા મળે.” 24 ઈશ્વર મારા રાજાની વિજયયાત્રા તેમના પવિત્રસ્થાન તરફ જતી બધાએ નિહાળી છે. 25 આગળ ગાયકો અને પાછળ વાદકો ચાલે છે, અને વચમાં કન્યાઓ ખંજરી બજાવતી ચાલે છે. 26 “મહામંડળીમાં ઈશ્વરને ધન્ય કહો, ઇઝરાયલના સંમેલનમાં પ્રભુની સ્તુતિ કરો. 27 સૌથી નાનું કુળ બિન્યામીન, સૌથી આગળ ચાલે છે. પછી યહૂદા કુળના આગેવાનો તેમના સમૂહ સાથે છે અને તેમની પાછળ ઝબુલૂન અને નાફતાલી કુળના આગેવાનો છે. 28 હે ઈશ્વર, તમારું સામર્થ્ય પ્રગટ કરો! એ સામર્થ્ય વડે તમે અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં. 29 હે ઈશ્વર, યરુશાલેમમાં તમારું મંદિર છે. ત્યાં રાજાઓ તમારે માટે ભેટો લાવશે. 30 બરુઓમાં વસવાટ કરનાર જંગલી પશુ સમા અને વાછરડાઓ સહિતના આખલાઓના ટોળા જેવા ઇજીપ્તને ધમકાવો; તેમને લળીલળીને ચાંદીની ભેટો ધરતા કરી દો, અને યુદ્ધમાં રાચતી પ્રજાઓને વિખેરી નાખો. 31 ઇજીપ્તના રાજદૂતો નજરાણામાં જાંબલી રાજદ્વારી કાપડ લાવશે; કૂશ દેશના લોકો તરત જ પોતાના હાથમાં ભેટો લઈને આવશે. 32 પૃથ્વીનાં સર્વ રાજ્યો, ઈશ્વરની સમક્ષ ગીત ગાઓ; પ્રભુનું સ્તવન કરો. (સેલાહ) 33 તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે. 34 ઈશ્વરના સામર્થ્યનો સ્વીકાર કરો; તેમનો પ્રતાપ ઇઝરાયલ પર છે, અને તેમનો સત્તાધિકાર નભોમંડળમાં વ્યાપેલો છે. 35 ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં કેવા ભયાવહ છે! ઇઝરાયલના ઈશ્વર પોતાની પ્રજાને શક્તિ બક્ષીને બળવાન કરે છે. ઈશ્વરને ધન્ય હો! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide