ગીતશાસ્ત્ર 66 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરનાં મહાન કાર્યો માટે સામૂહિક સ્તુતિગાન (સંગીત સંચાલક માટે સૂચના: સ્તુતિ અને ગાયન) 1 હે સર્વ પૃથ્વીવાસીઓ! ઈશ્વરનો જયજયકાર કરો! 2 તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ, તેમનાં યશોગાનને મહિમાવાન બનાવો. 3 ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે. 4 પૃથ્વીના સર્વ નિવાસીઓ તમારી ભક્તિ કરે છે; તેઓ તમારી સ્તુતિ ગાય છે અને તમારાં નામનાં સ્તવનો ગાય છે. (સેલાહ) 5 આવો, અને ઈશ્વરનાં મહાન કાર્યોનું અવલોકન કરો; મનુષ્યો પ્રત્યેનાં તેમનાં કાર્ય અદ્ભુત છે. 6 તેમણે સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો હતો, આપણા પૂર્વજોએ પગે ચાલીને યર્દન નદી પાર કરી હતી; ત્યાં આપણે ઈશ્વરમાં આનંદ કર્યો. 7 તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે, તેમની આંખો રાષ્ટ્રોની તપાસ રાખે છે; તેથી તેમની સામે કોઈ વિદ્રોહી ઊભા ન થાય!(સેલાહ) 8 હે સર્વ પ્રજાઓ, અમારા ઈશ્વરને ધન્યવાદ આપો. તેમના સ્તવનનો વનિ સર્વત્ર સંભળાવો. 9 તેમણે આપણને જીવતા રાખ્યા છે, અને આપણા પગને લપસવા દીધા નથી. 10 હે ઈશ્વર, તમે અમારી પારખ કરી છે. જેમ ચાંદી શુદ્ધ કરાય તેમ તમે અમને શુદ્ધ કર્યા છે. 11 તમે અમને જાળમાં પડવા દીધા, અને અમારી પીઠ પર ભારે બોજ મૂક્યો. 12 તમે અમારાં શિર ઘોડેસવારોની પાસે કચડાવ્યાં. અમારે અગ્નિ તથા પાણીમાં થઈને પસાર થવું પડયું. છતાં આખરે તમે અમને વિપુલતાના પ્રદેશમાં પહોંચાડયા.” ભક્તનાં અર્પણ અને સ્તુતિ 13 હું તમારા મંદિરમાં દહનબલિ લઈને આવીશ, હું તમારી સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરીશ. 14 સંકટને સમયે મેં મારે મુખે જે વચનો આપ્યાં અને મારે હોઠેથી જે ઉચ્ચાર્યું તે હું પૂર્ણ કરીશ. 15 ઘેટાંઓના બલિદાનના ધૂપ સાથે હું તમારી આગળ પુષ્ટ પ્રાણીઓના દહનબલિ ચડાવીશ; અને બકરાઓ સાથે આખલાના બલિ પણ ચડાવીશ. 16 હે ઈશ્વરના ભક્તો, આવો, અને સાંભળો. તેમણે મારે માટે કરેલાં બધાં કાર્ય હું કહી બતાવીશ. 17 મારા મુખે સહાય માટે તેમને પોકાર કર્યો, અને મારી જીભે તેમનાં યશોગાન ગાયાં. 18 જો મેં મારા હૃદયમાં ભૂંડાઈ રાખી હોય, તો પ્રભુએ મારું સાંભળ્યું જ ન હોત. 19 પરંતુ ઈશ્વરે સાચે જ મારું સાંભળ્યું છે, અને તેમણે મારી પ્રાર્થના પ્રત્યે ધ્યાન આપ્યું છે. 20 ઈશ્વરને ધન્ય હોજો! તેમણે મારી પ્રાર્થના નકારી નથી, અને તેમનો પ્રેમ મારાથી દૂર કર્યો નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide