ગીતશાસ્ત્ર 65 - પવિત્ર બાઇબલ C.L.ઉત્સવ સમયનું સ્તુતિગીત (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હે સિયોનવાસી ઈશ્વર, તમારી સમક્ષ મૌન એ પણ સ્તુતિ છે. તમારી સમક્ષ માનતાઓ પૂર્ણ કરાશે. 2 હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે. 3 અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો. 4 જેમને તમે પસંદ કરો છો, અને તમારા પ્રાંગણમાં વસાવો છો તેમને ધન્ય છે. અમે તમારા ઘરની, તમારા પવિત્ર મંદિરની ઉત્તમ આશિષોથી સંતુષ્ટ થઈશું. 5 હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે. 6 તમે તમારા બળ વડે પર્વતોને તેમને સ્થાને સ્થાપ્યા. તમે પરાક્રમથી વિભૂષિત છો. 7 તમે સમુદ્રની ગર્જના અને તેમનાં મોજાંઓનો ધુઘવાટ શાંત પાડો છો, તમે પ્રજાઓનાં હુલ્લડ સમાવો છો. 8 પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો. 9 તમે ભૂમિની કાળજી લો છો અને વર્ષાથી તેને સિંચો છો; તમે તેને રસાળ અને ફળદ્રુપ બનાવો છો. હે ઈશ્વર, તમારી નદી પાણીથી ભરપૂર છે. તમે પૃથ્વીને તૈયાર કરીને મનુષ્યો માટે ધાન્ય પકવો છો. 10 તમે ખેતરના ચાસોને ભરપૂર પાણી પીવડાવો છો, અને તેના ચાસો વચ્ચેની ધારોને સપાટ કરો છો; તમે ઝાપટાંથી જમીનને પોચી બનાવો છો, તમે ફૂટતા અંકૂરોને આશિષ દઈ વિક્સાવો છો. 11 તમે તમારી ઉદારતાથી વર્ષને આબાદીનો મુગટ પહેરાવો છો. તમારી કેડીઓ પર અમી વરસે છે. 12 વેરાન પ્રદેશનાં ચરાણો પર પણ ઝાકળ ટપકે છે. ટેકરીઓ હર્ષથી વિભૂષિત બને છે. 13 ઘાસનાં બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે, ખીણપ્રદેશો ધાન્યથી આચ્છાદિત બને છે; તેઓ હર્ષનાદ કરે છે અને આનંદથી ગાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide