ગીતશાસ્ત્ર 64 - પવિત્ર બાઇબલ C.L.દુષ્ટોને સજા (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનની રક્ષા કરો. 2 ભૂંડાઈ કરનારાઓનાં કાવતરાંથી, અને અન્યાય આચરનારાઓનાં ટોળાંથી મને સંતાડો. 3 તેઓ પોતાની જીભોને તલવાર જેવી તીક્ષ્ણ બનાવે છે, તેઓ કટુ વાગ્બાણ તાકે છે. 4 તેઓ છુપાઈને નિર્દોષોને વીંધવા માગે છે, તેઓ અચાનક બાણ મારે છે અને જરા ય ડરતા નથી. 5 તેઓ પોતાનાં કાવતરાંમાં એકબીજાને ઉત્તેજન આપે છે, અને ગુપ્ત રીતે જાળો ક્યાં બિછાવવી તેની મસલત કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જોનાર છે?” 6 તેઓ ગુના કરવાનો ઘાટ ઘડીને કહે છે, “ખૂબ વિચારપૂર્વક ઘાટ ઘડયો છે.” સાચે જ મનુષ્યનાં અંતર અને હૃદય ગૂઢ છે!* 7 પરંતુ ઈશ્વર તેમને તાકીને બાણ મારશે; તેઓ અચાનક ઘાયલ થઈ જશે. 8 તેમની જીભના શબ્દો તેમના પતનનું કારણ બનશે, તેમને જોનારા ઠઠ્ઠાપૂર્વક પોતાનાં મસ્તકો હલાવશે. 9 તેથી સર્વ મનુષ્યો ભયભીત થશે, તેઓ ઈશ્વરનાં કાર્યો પ્રસિદ્ધ કરશે, અને એમ ઈશ્વરનાં કાર્ય વિષે સમજણ મેળવશે. 10 નેકજનો પ્રભુમાં આનંદ કરશે અને તેમનો આશરો લેશે, સર્વ સરળજનો પ્રભુનો જયજયકાર કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide