ગીતશાસ્ત્ર 61 - પવિત્ર બાઇબલ C.L.રક્ષણ માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્યોની સાથે ગાવા માટે, દાવિદનું ગીત) 1 હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પ્રતિ કાન ધરો. 2 મારું હૃદય નિર્ગત થયું છે; અને હું પૃથ્વીને છેડેથી તમને પોકારું છું; જે ખડક પર હું જાતે ચઢી શક્તો નથી તે પર તમે મને લઈ જાઓ. 3 કારણ, તમે જ મારા શરણસ્થાન છો; શત્રુઓ સામે મારા સંરક્ષક મિનારા સમ છો. 4 હું સર્વકાળ તમારા મંડપમાં વાસ કરીશ; તમારી પાંખોની છાયામાં હું શરણ લઈશ. (સેલાહ) 5 હે ઈશ્વર, તમે મારી માનતાઓ સાંભળી છે; તમારા ભક્તોને મળતો વારસો તમે મને આપ્યો છે. 6 તમે રાજાને દીર્ઘાયુષ્ય બક્ષજો; તેનાં રાજનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થજો. 7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રાજ્યાસન પર બિરાજો; તમારાં પ્રેમ અને સત્યતા તેમનું રક્ષણ કરો. 8 હું સદાસર્વદા તમારા નામનાં ગુણગાન ગાઈશ; અને દિનપ્રતિદિન મારી માનતાઓ પૂર્ણ કરીશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide