ગીતશાસ્ત્ર 60 - પવિત્ર બાઇબલ C.L.રાષ્ટ્રના ઉદ્ધાર માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: કમળફૂલનું વચન ચ-હિબ્રૂ: શૂશાન - એડ્થૃ-; શિક્ષણ માટે દાવિદનું મિખ્તામ, નાહરાઈમ અને ઝોબાના અરામીઓ સાથે તેણે યુદ્ધ કર્યું અને યોઆબે પાછા વળતાં ક્ષારના ખીણપ્રદેશમાં બાર હજાર અદોમીઓને માર્યા તે સમયનું ગીત) 1 હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્નભિન્ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો. 2 તમે દેશની ભૂમિને કંપાવી છે, અને તેને ચીરી નાખી છે. તેની તિરાડોને સમારો; કારણ, ભેખડો તૂટી પડવાની અણી પર છે. 3 તમે અમને, તમારા લોકને ભારે દુ:ખના દિવસો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષાસવ પાયો છે. 4 તમે તમારા ભક્તોને ભયસૂચક વજા દર્શાવી છે. જેથી તેઓ ધનુર્ધારીઓનાં બાણથી નાસી છૂટે. (સેલાહ) 5 અમને પ્રત્યુત્તર આપો; અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો. જેથી અમે, તમારાં પ્રિયજનો ઊગરી જઈએ. 6 ઈશ્વરે પોતાના પવિત્રસ્થાનમાંથી આ વચન આપ્યું છે: “હું વિજયના આનંદ સાથે શખેમના પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથનો ખીણપ્રદેશ મારા લોકોમાં વહેંચી આપીશ.” 7 ગિલ્યાદનો પ્રદેશ મારો છે અને મનાશ્શાનો પ્રદેશ પણ મારો છે. એફ્રાઈમનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે. 8 મોઆબનો પ્રદેશ મારા હાથપગ ધોવાના પાત્ર સમાન બનશે. માલિકીની નિશાની તરીકે હું અદોમ પર મારું પગરખું નાખીશ પલિસ્તી પ્રદેશ પર હું જયઘોષ કરીશ. 9 હે ઈશ્વર, મને કિલ્લેબંધ નગરમાં કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ પહોંચાડશે? 10 હે ઈશ્વર, શું તમે સાચે જ અમારો ત્યાગ કર્યો છે? શું તમે અમારાં સૈન્યો સાથે કૂચ કરવાના નથી? 11 શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે. 12 ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide