ગીતશાસ્ત્ર 58 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર દુષ્ટોને સજા કરે તે માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના. રાગ: હિબ્રૂ: અલ તારખેથ (વિનાશ કરશો નહિ.) દાવિદનું મિખ્તામ) 1 હે માનવી શાસકો, શું તમે સાચો ચુકાદો આપો છો? શું તમે માણસોનો અદલ ઇન્સાફ કરો છો? 2 ના, તમે તો મનમાં ભૂંડું કરવાની યોજનાઓ ઘડો છો અને તમારા હાથે દેશમાં હિંસા આચરો છો. 3 દુષ્ટો તો માના પેટે હોય ત્યારથી જ ભટકી ગયેલા હોય છે; અને જન્મથી જ તેઓ અવળે રસ્તે ચડી જાય છે અને જૂઠું બોલે છે. 4 તેમનું ઝેર સાપના ઝેર જેવું હોય છે; અને બહેરા નાગની જેમ તે પોતાના કાન બંધ કરી દે છે. 5 તે મદારીની મહુવરનો સાદ સાંભળતો નથી, કે ચાલાક ગારૂડીનો મંત્ર પણ કાને પડવા દેતો નથી. 6 હે ઈશ્વર, એ યુવાન સિંહોનાં મોંમાંથી દાંત તોડી નાખો; હે પ્રભુ, તેમની રાક્ષીઓ પણ ખેંચી કાઢો. 7 તેઓ વેગે વહી જતા પાણીની જેમ વિલીન થાઓ; તેઓ બાણ તાકે ત્યારે તે બૂઠાં થઈ જાઓ. 8 તેઓ ક્દવમાં ઓગળી જતી જળો જેવા અને સૂર્યને કદી ન જોનાર મૃત જન્મેલા ગર્ભના જેવા બનો. 9 દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે. 10 દુષ્ટોને સજા થતી નિહાળીને નેકજનો હરખાશે. તેઓ દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે. 11 લોકો કહેશે, “સાચે જ નેકજનોને પુરસ્કાર મળે છે; સાચે જ પૃથ્વી પર ન્યાય કરનાર ઈશ્વર છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide