ગીતશાસ્ત્ર 57 - પવિત્ર બાઇબલ C.L.ભયાનક શત્રુઓથી બચવા માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: હિબ્રૂ: અલ તારખેથ - (‘વિનાશ કરશો નહિ’,) દાવિદનું મિખ્તામ. તે શાઉલ રાજા પાસેથી નાસી જઈને ગુફામાં સંતાઈ રહેતો તે સમયનું ગીત.) 1 હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ. 2 હું સર્વોચ્ચ ઈશ્વરને પોકારું છું; પોતાના ઇરાદા મારામાં પૂર્ણ કરનાર ઈશ્વરને વિનંતી કરું છું. 3 ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે. 4 હું તો શત્રુઓથી ઘેરાઈ ગયો છું; તેઓ તો ક્ષુધાતુર માનવભક્ષી સિંહો જેવા છે. તેમના દાંત ભાલા જેવા ભયાનક છે અને તેમની જીભ તીક્ષ્ણ તલવાર જેવી ક્તિલ છે. 5 હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો. 6 મારા શત્રુઓએ મારા પગ ફસાવવા માટે જાળ બિછાવી છે, અને હું પડી ગયો છું. તેમણે મારા માર્ગમાં ખાડો ખોદ્યો, પરંતુ તેઓ પોતે જ તેમાં ગબડી પડયા છે. (સેલાહ) 7 હે ઈશ્વર, મારું હૃદય દઢ છે, મારું હૃદય દઢ છે, હું ગીતો ગાઈશ અને વાંજિત્રો પણ વગાડીશ. 8 હે મારા પ્રાણ, જાગ! મારી વીણા અને તાનપૂરા તમે પણ જાગો! હું જાતે પ્રભાતને જગાડીશ! 9 હે પ્રભુ, વિવિધ રાષ્ટ્રોના લોકોની વચમાં હું તમારી આભારસ્તુતિ કરીશ. હું સર્વ પ્રજાઓની વચમાં તમારાં ગુણગાન ગાઈશ. 10 તમારો પ્રેમ આકાશોથી પણ ઊંચે પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળોને પણ આંબે છે. 11 હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્નત મનાઓ અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide