ગીતશાસ્ત્ર 56 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરમાં અખંડ વિશ્વાસ (સંગીત સંચાલક માટે સૂચના: રાગ, એકલવાયું શાંત કબૂતર (હિબ્રૂ: યોનાથ - એલેમ - રહોકીમ) દાવિદનું મિખ્તામ; ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે સમયનું ગીત) 1 હે ઈશ્વર, મારા પર દયા કરો, કારણ, માણસો મને ખૂંદી નાખે છે; મારા શત્રુઓ આખો વખત મારા પર જુલમ કરે છે. 2 મારા વેરીઓ આખો દિવસ મને ખૂંદે છે, ઘણા ગર્વિષ્ઠો મારી સામે લડે છે. 3 હે સર્વોચ્ચ ઈશ્વર, જ્યારે હું ભયભીત થાઉં છું. ત્યારે હું તમારા પર ભરોસો રાખું છું. 4 જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે? 5 મારા શત્રુ નિરંતર મને તેમના શબ્દોથી ચીડવે છે. તેમના સર્વ વિચાર મારું ભૂંડું કરવા અંગેના છે. 6 તેઓ ભેગા મળીને કાવતરું રચે છે અને સંતાઈ રહે છે; તેઓ મને શોધવા મારું પગેરું પકડે છે, તેઓ મારી હત્યા કરવાની રાહ જુએ છે. 7 હે ઈશ્વર, તેમની ભૂંડાઈમાંથી અમને બચાવો અને તમારા કોપમાં તેમને ગબડાવી નાખો. 8 તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી? 9 પછી જે દિવસે હું તમને પોકારીશ, ત્યારે મારા શત્રુઓ પીછેહઠ કરશે; હું જાણું છું કે ઈશ્વર મારી પડખે છે. 10 જે ઈશ્વરના સંદેશની હું પ્રશંસા કરું છું, જે પ્રભુના સંદેશની હું પ્રશંસા કરું છું, 11 તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે? 12 હે ઈશ્વર, તમારી સમક્ષ માનેલી માનતાઓ હું પાળીશ. હું તમને આભારબલિ ચડાવીશ. 13 તમે મારા પ્રાણને મૃત્યુમાંથી ઉગાર્યો છે, અને મારા પગને લથડવા દીધા નથી; જેથી, હે ઈશ્વર, હું તમારી સમક્ષ જીવનદાયક પ્રકાશમાં ચાલું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide