Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 55 - પવિત્ર બાઇબલ C.L.


મિત્રના વિશ્વાસઘાતનો ભોગ બનેલા ભક્તની પ્રાર્થના સહાય માટે પોકાર
(સંગીત સંચાલક પ્રતિ: તંતુવાદ્યોની સાથે ગાવાને, દાવિદનું માસ્કીલ)

1 હે ઈશ્વર, મારી પ્રાર્થના પ્રત્યે કાન ધરો; મારી અરજથી પોતાને સંતાડશો નહિ.

2 મારા પ્રત્યે ધ્યાન દો અને મને ઉત્તર આપો; મારા શોકમાં હું ભારે વિલાપ કરતો ફરું છું.


ભક્તની દશાનું વર્ણન

3 શત્રુઓની ધમકીઓથી હું આકુળવ્યાકુળ છું, અને દુષ્ટોના દમનને કારણે કચડાઈ ગયો છું; તેઓ મારા પર આક્ષેપો ખડકે છે; તેઓ તેમના ક્રોધમાં મને સતાવે છે.

4 મારી ભીતર મારું હૃદય ખળભળી ઊઠયું છે; કારણ, મૃત્યુનો ભય મારા પર તોળાઈ રહ્યો છે.

5 હું ત્રાસથી ધ્રૂજી ઊઠયો છું, અને મહાઆંતકથી ઘેરાઈ ગયો છું.

6 મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખો હોત તો કેવું સારું! તો તો હું ઊડી જઈને વિશ્રાંતિ પામત!

7 હું દૂરદૂર ઊડી જાત અને નિર્જન પ્રદેશમાં મુકામ કરત. (સેલાહ)

8 ઝંઝાવાતી પવન અને આંધીથી બચવા હું ત્વરાથી કોઈ સુરક્ષિત સ્થાનમાં પહોંચી જાત.”

9 હે પ્રભુ, મારા શત્રુઓની જીભોની મસલતો નિષ્ફળ બનાવો; કારણ કે, હું નગરમાં હિંસા તથા હુલ્લડ જોઉં છું.

10 તેઓ દિવસરાત નગરકોટ પર ચારે બાજુએ ફર્યા કરે છે; તેની અંદર ગુનાખોરી અને હાડમારી છે.

11 તેની અંદર વિનાશ પથરાયેલો છે; તેની શેરીઓમાંથી અત્યાચાર અને ભ્રષ્ટાચાર દૂર થતાં નથી.

12 જો કોઈ શત્રુએ મારી નિંદા કરી હોત, તો હું તે સહન કરી શક્ત. જો કોઈ પ્રતિસ્પર્ધીએ મારી વિરુદ્ધ લડાઈ કરી હોત તો હું તેનાથી સંતાઈ શક્ત.

13 પરંતુ એ તો તું જ છે. મારો સમકક્ષ, મારો સાથી અને મારો દિલોજાન દોસ્ત!

14 આપણે પરસ્પર મીઠી મીઠી વાતો કરતા હતા, અને જનસમુદાય સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા.


શત્રુના વિનાશ માટે પ્રાર્થના

15 મારા શત્રુઓ એકાએક મૃત્યુ પામો! તેઓ જીવતા જ મૃત્યુલોક શેઓલમાં ઊતરી પડો! કારણ, તેમનાં ઘર અને મન ભૂંડાઈથી ભરેલાં છે.


સહાય માટે યાચના

16 પરંતુ હું તો ઈશ્વરને પોકાર કરું છું અને એ પ્રભુ જ મને ઉગારશે.

17 હું સવારે, બપોરે અને સંયાએ નિ:સાસા સાથે રુદન કરું છું; તે મારો આર્તનાદ સાંભળશે.

18 તે મારા જીવને પ્રત્યેક હુમલાખોરથી બચાવી સલામત રાખશે; કારણ, મારા વિરોધીઓ ઘણા છે.

19 અનાદિકાળથી રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે અને તેમને નમાવશે; (સેલાહ) કારણ, ન તો તેઓ સુધરે છે, કે ન તેમને ઈશ્વરનો ડર લાગે છે.


વિશ્વાસઘાતી મિત્ર

20 મારા અગાઉના સાથીએ પોતાના જ મિત્રો પર આક્રમણ કર્યું, તેણે પોતાના જ કરારનો ભંગ કર્યો.

21 તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા.


પ્રોત્સાહન

22 તારો બોજો પ્રભુ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે નેકજનને કદી વિચલિત થવા દેશે નહિ.


શત્રુનો વિનાશ

23 ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan