ગીતશાસ્ત્ર 54 - પવિત્ર બાઇબલ C.L.શત્રુઓથી રક્ષણ માટે પ્રાર્થના (સંગીત સંચાલક પ્રતિ: તંતુવાદ્યોની સાથે ગાવાને દાવિદનું માસ્કીલ. જ્યારે ઝીફ નગરના માણસોએ શાઉલ પાસે જઈને કહ્યું, “દાવિદ અમારે ત્યાં સંતાયો છે” તે સમયનું ગીત) 1 હે ઈશ્વર, તમારી નામનાને લીધે મને બચાવો; તમારા સમર્થન વડે મને ન્યાય અપાવો. 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો, અને મારા મુખના શબ્દો પ્રત્યે કાન ધરો. 3 અહંકારીઓ મારા પર હુમલો કરે છે, ક્રૂર માણસો મારો જીવ લેવા મથે છે, તેમને ઈશ્વરની કશી દરકાર નથી. (સેલાહ) 4 ઈશ્વર મારા સહાયક છે, પ્રભુ જ મારા જીવનનો આધાર છે. 5 તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો. 6 હું તમને આનંદપૂર્વક બલિદાનો ચડાવીશ; હે પ્રભુ, હું તમારા નામની આભારસ્તુતિ કરીશ, કારણ, તમે ભલા છો. 7 તમે મને મારા સર્વ સંકટમાંથી ઉગાર્યો છે; મેં નજરોનજર મારા શત્રુઓનો પરાજય નિહાળ્યો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide