Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 51 - પવિત્ર બાઇબલ C.L.


ક્ષમા માટે પ્રાર્થના ક્ષમા યાચના
(સંગીત સંચાલક માટે સૂચના: દાવિદે બાથશેબા સાથે સમાગમ કર્યો તે પછી સંદેશવાહક નાથાન ઈશ્વરનો સંદેશ લઈ દાવિદ પાસે આવ્યો તે સમયનું દાવિદનું ગીત)

1 હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો.

2 મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત

3 હું મારા અપરાધો કબૂલ કરું છું અને મારું પાપ નિરંતર મારી સમક્ષ છે.

4 તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.

5 હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું.


સંબંધ પૂર્વવત્ કરવા અરજ

6 પણ તમે તો અંત:કરણની સચ્ચાઈ ચાહો છો; તેથી મારા દયને તમારું જ્ઞાન શીખવો.

7 મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.

8 મને હર્ષ અને આનંદના સાદ સંભળાવો. એટલે, તમે કચડી નાખેલાં મારાં અસ્થિ પ્રફુલ્લિત થશે.

9 મારાં પાપ પરથી તમારી નજર ફેરવી લો, અને તમે મારા સર્વ દોષો ભૂંસી નાખો.

10 હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો, અને મારા આત્માને તાજો અને દઢ કરો.

11 તમારી સંમુખથી મને કાઢી મૂકશો નહિ, અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.

12 તમારા ઉદ્ધારને લીધે મળતો આનંદ મને પાછો આપો અને ઉદાર આત્માથી મને નિભાવી રાખો.

13 ત્યારે હું અપરાધીઓને તમારા માર્ગ વિષે શીખવીશ અને પાપીઓ તમારી તરફ પાછા ફરશે.

14 હે ઈશ્વર, મારા ઉદ્ધારક, ખૂનના દોષમાંથી મને મુક્ત કરો; એટલે, મારી જીભ તમે કરેલા છુટકારા વિષે મોટેથી ગાશે.

15 હે પ્રભુ, મારા હોઠ ઉઘાડો; જેથી મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરે.

16 તમે માત્ર બલિદાનોથી પ્રસન્‍ન થતા નથી, નહિ તો હું તે ચડાવત; અરે, તમે દહનબલિથી પણ રીઝતા નથી.

17 હે ઈશ્વર, મારું બલિદાન તો મારો ભંગિત આત્મા છે; તમે આ ભંગિત અને વાસ્તવિક દયને ધુત્કારશો નહિ.


યરુશાલેમના પુન:સ્થાપન માટે પ્રાર્થના

18 તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો,

19 ત્યારે તો દહનબલિ અને સંપૂર્ણ દહનબલિ જેવાં યોગ્ય બલિદાનોથી તમે પ્રસન્‍ન થશો, અને તમારી વેદી પર આખલાઓના બલિ ચડાવાશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan