ગીતશાસ્ત્ર 50 - પવિત્ર બાઇબલ C.L.ન્યાય કરનાર યાહવે 1 ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે. 2 સર્વાંગસુંદર સિયોનનગરમાં ઈશ્વર પ્રકાશે છે. 3 આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે. 4 તે ઉપરના આકાશને અને પૃથ્વીને સાક્ષી તરીકે બોલાવે છે; જેથી તેમની હાજરીમાં તે પોતાના લોકોનો ન્યાય કરે. 5 તે કહે છે, “બલિદાન દ્વારા જેમણે મારી સાથે કરાર કર્યો છે તેવા મારા સંતોને મારી પાસે એકત્ર કરો.” 6 આકાશો ઈશ્વરની ન્યાયશીલતાને પ્રસિદ્ધ કરે છે; કારણ ઈશ્વર પોતે જ ન્યાયાધીશ છે. (સેલાહ) અર્પણો અને બલિદાનો 7 “હે મારા લોકો, સાંભળો; હું બોલું છું. હે ઇઝરાયલ, હું ઈશ્વર, તમારો ઈશ્વર તમારી સામે નિવેદન કરું છું. 8 મારે તમને તમારાં બલિદાનો વિષે ઠપકો આપવાનો નથી; કારણ, તમારાં દહનબલિ તો તમે મને નિત્ય ચડાવો છો. 9 મારે તમારી કોઢમાંથી સાંઢ અથવા તમારા વાડામાંથી બકરો જોઈતો નથી; 10 કારણ, વનનાં સમસ્ત પશુઓ, અને હજારો પર્વતો પરનાં પ્રાણીઓ મારાં જ છે. 11 આકાશનાં બધાં પંખીઓને હું ઓળખું છું, અને ધરતી પર વિચરતા અસંખ્ય જીવજંતુઓ મારાં છે. 12 જો હું ભૂખ્યો હોઉં તોપણ તમને જણાવું નહિ; કારણ, સૃષ્ટિ તથા તેમાંનું સર્વસ્વ મારું છે. 13 શું હું આખલાઓનું માંસ ખાઉં? શું હું બકરાઓનું રક્ત પીઉં? 14 તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો. 15 સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.” દુષ્ટો પર આક્ષેપ 16 પરંતુ ઈશ્વર દુષ્ટોને કહે છે; “શા માટે તમે મારા આદેશોનું રટણ કરો છો? શા માટે તમે મારા કરારની આજ્ઞાઓ મુખપાઠ કરો છો? 17 કારણ, તમે તો શિસ્તને ધિક્કારો છો, અને મારી આજ્ઞાઓનો અનાદર કરો છો. 18 તમે ચોરને જોઈને તેની સાથે જોડાઈ જાઓ છો, અને વ્યભિચારીઓને સાથ આપો છો. 19 તમે તમારા મુખને ભૂંડાઈ માટે છુટ્ટો દોર આપો છો, તમારી જીભ છળકપટની જાળ રચે છે. 20 તમે બેસીને બદઇરાદાથી તમારા જાતભાઈ પર ખોટો આક્ષેપ મૂકો છો, અરે, તમે તો પોતાના મા જણ્યા ભાઈની બદનક્ષી કરો છો! 21 તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું. દુષ્ટોને ધમકી અને નેકજનોને વચન 22 હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય. 23 સ્તુતિરૂપી અર્પણ ચડાવનાર મારું બહુમાન કરે છે, અને સીધી રીતે વર્તનારને હું ઈશ્વરનો ઉદ્ધાર દેખાડીશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide