ગીતશાસ્ત્ર 5 - પવિત્ર બાઇબલ C.L.રક્ષણ માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: વાંસળીઓ સાથે ગાવા માટે દાવિદનું ગીત) 1 હે પ્રભુ, મારા શબ્દો કાન દઈને સાંભળો; મારા નિ:સાસા પર લક્ષ આપો. 2 હે મારા રાજા અને મારા ઈશ્વર, સહાય માટેના મારા પોકાર પર ધ્યાન દો; કારણ, હું તમને પ્રાર્થના કરું છું. 3 હે પ્રભુ, મારી પરોઢની પ્રાર્થના રજૂ કરું છું, અને તમારા ઉત્તરની પ્રતીક્ષા કરું છું. 4 તમે તો દુરાચારથી પ્રસન્ન થનાર ઈશ્વર નથી, તમારી હાજરીમાં દુષ્ટતા ટકી શક્તી નથી. 5 તમારી સન્મુખ અહંકારીઓ ઊભા રહી શક્તા નથી; તમે બધા દુષ્ટોનો તિરસ્કાર કરો છો. 6 તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો. 7 પરંતુ હું તો તમારા પ્રેમને લીધે તમારા ઘરમાં પ્રવેશી શકું છું, અને ભક્તિભાવથી તમારા પવિત્ર મંદિરમાં આરાધના કરી શકું છું. 8 હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો. 9 મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે. 10 હે ઈશ્વર, તમે તેમને દોષિત ઠરાવીને સજા ફરમાવો; તમે તેમને તેમના પ્રપંચમાં જ ફસાઈ પડવા દો. તમારી વિરુદ્ધના તેમના અનેક અપરાધ અને વિદ્રોહને લીધે તેમને તમારી હાજરીમાંથી હાંકી કાઢો. 11 પરંતુ તમારું શરણ શોધનારા આનંદ કરશે, તેઓ સદા હર્ષનાં ગીતો ગાશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હરખાય માટે તમે તેમનું રક્ષણ કરો. 12 હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide