ગીતશાસ્ત્ર 49 - પવિત્ર બાઇબલ C.L.ધનસંપત્તિ પર ભરોસો રાખવાની મૂર્ખતા (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત) 1 હે સર્વ પ્રજાઓ, આ સાંભળો; ધરતીના સર્વ નિવાસીઓ, કાન દો. 2 સામાન્યજનો અને ખાનદાન લોકો, ધનિકો અને નિર્ધનો, તમે સૌ ધ્યાન દો. 3 મારું મુખ જ્ઞાન ઉચ્ચારશે અને મારું હૃદય સમજણ પ્રગટ કરશે. 4 હું કાન દઈને ઉખાણું સાંભળીશ; અને વીણાવાદન સાથે તેનો ઉકેલ આપીશ. 5 કપટી જુલમીઓ મને ઘેરી વળે ત્યારે એવા સંક્ટ સમયે હું શા માટે ડરું? 6 કારણ, એ લોકો તો પોતાની જ ધનસંપત્તિ પર ભરોસો રાખે છે, અને પોતાના અઢળક ધન વિષે અહંકાર કરે છે. 7 પણ કોઈ માણસ પોતાને જાતે જ ઉગારી શકે નહિ, અને તે ઈશ્વરને પોતાના પ્રાણનું મુક્તિમૂલ્ય અદા કરી શકે નહિ. 8 કારણ, મનુષ્યની જિંદગીનું મુક્તિમૂલ્ય અત્યંત ભારે છે. તે ગમે તેટલું ચૂકવવા ચાહે તો પણ તે ભરપાઈ કરી શકે નહિ. 9 તો પછી તે કેવી રીતે સર્વદા જીવતો રહેશે? તે કેવી રીતે કબરમાં દટાવાથી બચશે? 10 સાચે જ, માણસ જુએ છે કે બુદ્ધિવંતો પણ મરે છે, તેમજ મૂર્ખ અને મૂઢ પણ મૃત્યુ પામે છે; તેઓ બધાં પોતાનું ધન બીજાઓને માટે મૂકી જાય છે. 11 જો કે તેમને નામે જમીનજાગીરો હતી, તોપણ કબરો તેમનાં કાયમનાં ઘર બન્યાં છે; એ તેમના યુગાનુયુગનાં નિવાસસ્થાન છે. 12 મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે. 13 ખોટો આત્મવિશ્વાસ ધરાવનારાઓનો એવો અંજામ થશે. પોતાના ધનથી સંતુષ્ટ રહેનારાઓનો આવો અંત થશે. (સેલાહ) 14 ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે. 15 પરંતુ ઈશ્વર મારા પ્રાણને ઉગારશે, શેઓલના પંજામાંથી તે મને ઝૂંટવી લેશે. (સેલાહ) 16 તેથી કોઈ વ્યક્તિ ખૂબ ધનવાન બને અને તેના ઘરનો વૈભવ વધે ત્યારે તું ચીડાઈશ નહિ. 17 કારણ, તે મૃત્યુ પામશે ત્યારે પોતાની સાથે કશું લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની સાથે જશે નહિ. 18 જો કે જીવનકાળ દરમ્યાન કોઈ પોતાને સુખી ગણતો હોય અને તેની સફળતાને લીધે લોકો તેની પ્રશંસા કરતા હોય, 19 તોપણ તે પોતાના પૂર્વજો સાથે ભળી જશે, અને તે ફરી કદી પ્રકાશ જોશે નહિ. 20 મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide