ગીતશાસ્ત્ર 47 - પવિત્ર બાઇબલ C.L.સર્વોચ્ચ સમ્રાટ રાજાધિરાજ (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત) 1 હે સર્વ પ્રજાઓ, આનંદથી તાળી પાડીને બુલંદ અવાજે ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ. 2 સર્વોચ્ચ ઈશ્વર પ્રભુ તો આરાધ્ય છે. તે સમસ્ત પૃથ્વીના રાજાધિરાજ છે. 3 તે પ્રજાઓ સામે અમને વિજય અપાવે છે; તે રાષ્ટ્રોને અમારે ચરણે નમાવે છે. 4 તેમણે જ અમારા વસવાટ માટે વચનનો પ્રદેશ પસંદ કર્યો, પોતાના વહાલા અને અમારા પૂર્વજ યાકોબના ગૌરવી વારસાનો દેશ અમને વતન તરીકે આપ્યો. (સેલાહ) 5 ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે. 6 સ્તુતિગીત ગાઓ, ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ, સ્તુતિગીત ગાઓ, આપણા રાજાનાં સ્તુતિગીત ગાઓ. 7 કારણ, ઈશ્વર સમસ્ત પૃથ્વીના રાજા છે. સુંદર ગીતો રચીને તેમની સ્તુતિ ગાઓ. 8 ઈશ્વર તેમના પવિત્ર સિંહાસન પર બિરાજ્યા છે; તે સર્વ પ્રજાઓ પર રાજ કરે છે. 9 અમારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વરે પસંદ કરેલા લોક સાથે સર્વ પ્રજાઓના અધિકારીઓ એકત્ર થયા છે. કારણ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે અને તે અતિ ઉચ્ચ મનાયા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide