Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 45 - પવિત્ર બાઇબલ C.L.


શાહી લગ્નગીત
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ: કમળ ફૂલ, (હિબ્રૂ: શોશાન્તિમ) કોરાના પુત્રોનું માસ્કીલ (પ્રેમગીત))

1 સુંદર શબ્દોની પ્રેરણાથી મારું હૃદય ઊભરાઈ જાય છે; મારું કાવ્ય હું રાજાને સંબોધું છું: નિપુણ લહિયાની કલમની જેમ મારી જીભ વણથંભી વહે છે.

2 તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.

3 હે પરમ શૂરવીર, તમારી તલવાર કમરે ધારણ કરો; એ તમારું ગૌરવ અને તમારો પ્રતાપ છે.

4 સત્ય, નમ્રતા અને નેકીની રક્ષા માટે તમારા પૂર્ણ પ્રતાપમાં સવાર થઈ વિજયવંત બનો; તમારો જમણો ભૂજ તમને ભવ્ય વિજયો અપાવશે.

5 હે રાજન, તમારાં તીક્ષ્ણ બાણ શત્રુઓનાં દયને વીંધે છે; પ્રજાઓ તમારી શરણાગતિ સ્વીકારે છે.

6 સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે.

7 તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.

8 તમારાં વસ્ત્રો બોળ, અગર અને દાલચીનીનાં અત્તરોથી સુવાસિત છે. હાથીદાંતથી સુશોભિત મહેલોમાં તંતુવાદ્યોનું સંગીત તમને આનંદ પમાડે છે.

9 રાજકુંવરીઓ પણ તમારા જનાનામાં છે ઓફીરના સોનાથી આભૂષિત મહારાણી તમારે જમણે હાથે ઊભાં છે.

10 “હે પુત્રી, સાંભળ, વિચાર અને ધ્યાન આપ; તારા લોકને અને તારા પિતાના ઘરકુટુંબને ભૂલી જા.

11 રાજા તારા સૌંદર્યની અભિલાષા રાખશે; તે તો તારા પતિ છે; તું તેમનું અભિવાદન કર.

12 તૂરના લોકો તારે માટે ઉપહાર લાવશે; સંપત્તિવાન લોકો તારી મહેરબાની શોધશે.”

13 રાજકન્યા સંપૂર્ણ ગૌરવવાન લાગે છે; તેનાં વસ્ત્રો સુવર્ણજરીનાં છે.

14 તેને જરીબુટ્ટીવાળાં વસ્ત્રોમાં રાજાની પાસે લઈ જવાય છે; તેની પાછળ પાછળ તેની કુમારી સહેલીઓ જાય છે.

15 આનંદ અને ઉત્સાહથી તેઓ દોરાય છે અને એમ તેઓ રાજમહેલમાં પ્રવેશે છે.

16 “હે મહારાણી, તમારા પૂર્વજોને સ્થાને તમારા પુત્રો શાસકો બનશે તમે તેમને સમસ્ત પૃથ્વી પર અધિકારીઓ તરીકે નીમશો.”

17 મારા ગીતથી તમારા નામનું વંશપરંપરા સ્મરણ રહેશે; લોકો સદા તમારાં ગુણગાન ગાશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan