Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 44 - પવિત્ર બાઇબલ C.L.


પ્રજાનો વિલાપ
(સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત. માસ્કીલ)

1 હે ઈશ્વર, અમે અમારા કાનોથી સાંભળ્યું છે અને અમારા પૂર્વજોએ અમને જણાવ્યું છે કે તેમના સમયમાં, એટલે પ્રાચીન કાળમાં તમે મહાન કાર્યો કર્યાં હતાં.

2 તમે તમારા પોતાને હાથે અન્ય પ્રજાઓને ઉખાડી નાખીને, ત્યાં તમારા લોકને વચનના પ્રદેશમાં રોપ્યા હતા. તમે અન્ય પ્રજાઓ પર વિપત્તિ લાવીને તેમને હાંકી કાઢયા અને તમારા લોકને વિસ્તાર્યા.

3 અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.

4 હે ઈશ્વર, એકલા તમે જ અમારા રાજા છો, અને તમે જ યાકોબના વંશજોને વિજય અપાવો છો.

5 તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું.

6 મને મારા ધનુષ્ય પર વિશ્વાસ નથી, અને મારી તલવાર મને બચાવવાને સમર્થ નથી.

7 તમે જ અમારા શત્રુઓથી અમને બચાવો છો, અને તમે જ અમારા દ્વેષકોને લજ્જિત કરો છો.

8 અમે સર્વ સમયે ઈશ્વર વિષે જ ગર્વ ધરાવીએ છીએ; હે ઈશ્વર, અમે સદાસર્વદા તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ)


પરાજયનું વર્ણન

9 પણ હવે તમે અમને અવગણ્યા છે,અને પરાજયથી લજ્જિત થવા દીધા છે; અને હવે તમે અમારાં સૈન્યો સાથે બહાર આવતા નથી.

10 તમે અમને વૈરીઓ સામે પીછેહઠ કરવા વિવશ કર્યા છે; અમારા દ્વેષીઓ અમને ફાવે તેમ લૂંટે છે.

11 ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે.

12 તમે તો તમારા લોકને વિનામૂલ્યે વેચી દો છો, તેમની વેચાણકિંમતથી તમને કશો નફો થતો નથી,

13 તમે તો અમને અમારા પડોશીઓ માટે મહેણાંને પાત્ર કર્યા છે, આસપાસના લોકો અમારી ઠેકડી ઉડાડે છે અને અમને ધૂત્કારે છે.

14 તમે તો અમને વિદેશી રાષ્ટ્રોની વચ્ચે કહેવત સમાન બનાવ્યા છે, અને અન્ય પ્રજાઓ અમારી સામે તિરસ્કારથી માથાં હલાવે છે.

15-16 શત્રુઓ વેર વાળવાને મહેણાંટોણાં મારે છે અને નિંદાના શબ્દો બોલે છે, ત્યારે તેમની સમક્ષ મારે આખો દિવસ અપમાન સહન કરવું પડે છે; શરમથી મારું મુખ ઢંકાઈ ગયું છે!


ઈશ્વર પ્રતિ એકનિષ્ઠા

17 અમે તમને વીસરી ગયા નથી, અને અમારી સાથે તમે કરેલ કરારનો ભંગ કર્યો નથી; છતાં આ બધું અમારા પર વીત્યું છે.

18 અમારા પગ તમારા માર્ગથી વિચલિત થયા નથી.

19 છતાં તમે અમને કચડીને શિયાળવાંના જંગલમાં તજી દીધા છે; તમે ઘોર અંધકારથી અમને ઢાંકી દીધા છે.

20 જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ અને કોઈ પારકા દેવ સામે હાથ જોડયા હોય,

21 તો તો તમે તે શોધી ન કાઢો? કારણ, તમે તો દયના ગુપ્ત વિચારો પણ જાણો છો.

22 સાચે જ તમારે લીધે અમે નિરંતર હણાઈએ છીએ, અને ક્તલ થનારાં ઘેટાં જેવાં ગણાઈએ છીએ.


સહાય માટે યાચના

23 હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘી રહ્યા છો? ઊઠો, સદાને માટે અમારી ઉપેક્ષા ન કરો.

24 તમે કેમ અમારાથી તમારું મુખ છુપાવો છો? અમારાં દુ:ખ અને જુલમને કેમ વીસરી જાઓ છો?

25 અમારાં મસ્તક ધૂળમાં રગદોળાયાં છે, અને અમારાં શરીર ભોંયભેગાં થયાં છે.

26 ઊઠો, અમારી વહારે આવો; તમારા પ્રેમને લીધે અમને ઉગારો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan