ગીતશાસ્ત્ર 41 - પવિત્ર બાઇબલ C.L.આરોગ્ય માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 લાચારજનોની કાળજી લેનારાઓને ધન્ય છે; તેઓ સંકટમાં આવી પડે ત્યારે પ્રભુ તેમને ઉગારશે. 2 પ્રભુ તેમનું રક્ષણ કરશે અને તેમને જીવંત રાખશે; તેઓ વચનના પ્રદેશમાં સુખી ગણાશે. પ્રભુ તેમને તેમના શત્રુઓના સકંજામાં પડવા દેશે નહિ. 3 માંદગીના બિછાના પર પ્રભુ તેમનો આધાર થશે; માંદગીની પથારીને બદલે પ્રભુ તેમને આરોગ્ય બક્ષશે. 4 મેં કહ્યું, “હે પ્રભુ, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે; મારા પ્રત્યે દયા દર્શાવીને મને સાજો કરો. 5 મારા શત્રુઓ મારે વિષે ઈર્ષાભરી વાતો કરે છે: “તે ક્યારે મરે કે તેનું નામનિશાન ભૂંસાઈ જાય?” 6 મારી મુલાકાતે આવનારા સહાનુભૂતિના પોકળ શબ્દો ઉચ્ચારે છે; તેઓ અંદરખાને મારા વિષે જૂઠી માહિતી એકઠી કરે છે, અને બહાર જઈને અફવાઓ વહેતી મૂકે છે. 7 મારા સર્વ દ્વેષીઓ મારે વિષે ગુસપુસ વાતો કરે છે; તેઓ મને હાનિ પહોંચાડવાની યોજનાઓ ઘડે છે. 8 તેઓ કહે છે, “તેના પર જાદુનો જીવલેણ મંત્ર નંખાયો છે. તે માંદગીની પથારીમાંથી પાછો ઊઠવાનો નથી.” 9 અરે, મારો દિલોજાન મિત્ર, જેના પર મને ભરોસો હતો, અને જે મારી સાથે જમતો તેણે પણ મારી સામે દગાથી લાત ઉગામી છે. 10 તેથી હે પ્રભુ, મારા પર કૃપા કરો અને મને માંદગીમાંથી ઉઠાડો; જેથી હું તેઓ પર વેર વાળી શકું. 11 મારા શત્રુઓ મારી સામે વિજયના પોકાર નહિ કરી શકે ત્યારે હું માનીશ કે તમે મારા પર પ્રસન્ન છો. 12 મારી પ્રામાણિક્તાના ફળસ્વરૂપે તમે મને ધરી રાખ્યો છે, માટે તમે મને સદાસર્વદા તમારી સન્મુખ સ્થાન આપો છો. 13 ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide