Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 40 - પવિત્ર બાઇબલ C.L.


સ્તુતિગાન અને પ્રાર્થના
(સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત)

1 મેં ધીરજથી પ્રભુની વાટ જોઈ; અને તેમણે કાન દઈને મારી વિનંતી સાંભળી.

2 તેમણે વિનાશના ગર્તમાંથી અને ચીકણા ક્દવમાંથી મને ઉપર ખેંચી લીધો; તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.

3 તેમણે આપણા ઈશ્વરની સ્તુતિનું એક નવું ગીત મારા મુખમાં મૂકાયું છે. ઘણા એ જોઈને આદરયુક્ત ભય રાખશે.

4 પ્રભુ પર ભરોસો રાખનારને ધન્ય છે; એવો માણસ મૂર્તિઓ તરફ વળી જતો નથી, અને જૂઠા દેવોના ઉપાસકો સાથે ભળી જતો નથી.

5 હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે અનન્ય છો; તમારાં અદ્‍ભુત કાર્યો અને અમારા વિષેના તમારા ઇરાદા કેટલા બધા છે! એમનું પૂરેપૂરું વર્ણન હું ક્યારેય કરી શકું નહિ; એ તો અગણિત છે.

6 તમને બલિદાન અને ધાન્ય અર્પણની અપેક્ષા નથી; તમે દહનબલિ તથા પ્રાયશ્ર્વિતબલિ માગતા નથી; પરંતુ આધીનતા માટે તમે મારા કાન ઉઘાડયા છે.

7 તેથી મેં કહ્યું, “હું આ રહ્યો. નિયમશાસ્ત્રના પુસ્તકમાં મારે શું કરવું તે લખાયેલું છે.

8 હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવા હું તત્પર છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.

9 તમારા લોકની મોટી સભામાં મેં ઉદ્ધાર વિષેનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. હે પ્રભુ, તમે જાણો છો કે મેં મારા હોઠ બંધ રાખ્યા નથી.

10 મેં તમારા ઉદ્ધારની વાત મારા હૃદયમાં સંતાડી રાખી નથી. હું સદા તમારા વિશ્વાસુપણા વિષે અને ઉદ્ધારક સહાય વિષે બોલ્યો છું; તમારાં પ્રેમ અને સચ્ચાઈને મેં મોટી સભાથી છુપાવ્યાં નથી.

11 હે પ્રભુ, તમારી રહેમથી મને કદી વંચિત રાખશો નહિ; તમારાં પ્રેમ અને સચ્ચાઈ મને સદા સુરક્ષિત રાખો.


સહાય માટે પ્રાર્થના

12 હું અસંખ્ય સંકટોથી ઘેરાઈ ગયો છું. મારા દોષોએ મને પકડી પાડયો છે, તેથી હું કશું જોઈ શક્તો નથી; તેઓ તો મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હૃદય નિર્ગત થયું છે.

13 હે પ્રભુ, કૃપા કરી મને ઉગારો; હે પ્રભુ, કૃપા કરી મને ઉગારો; હે પ્રભુ, મારી સત્વરે સહાય કરો.

14 જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.

15 જેઓ મારી ઠેકડી ઉડાડતાં “આહા, આહા” કહે છે, તેમને તમે તેમની શરમ ભરેલી વર્તણૂકને લીધે પાયમાલ કરો.

16 પરંતુ તમારા શોધકો તમારાથી હર્ષિત અને આનંદિત બનો. તમારા ઉદ્ધારના ચાહકો નિરંતર કહો કે, “પ્રભુ કેટલા મહાન છે!”

17 હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan