ગીતશાસ્ત્ર 4 - પવિત્ર બાઇબલ C.L.સાયંકાળની પ્રાર્થના: સહાય માટે યાચના (સંગીત સંચાલક માટે સૂચના: તંતુ વાદ્ય સાથે ગાવાનું દાવિદનું ગીત) 1 હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો. 2 હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ) 3 યાદ રાખો કે પ્રભુ તેમને સમર્પિત થયેલા લોકની પડખે છે, અને હું પોકારું ત્યારે તે સાંભળે છે. 4 ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ) 5 યોગ્ય બલિદાનોનું અર્પણ ચડાવો અને પ્રભુ પર ભરોસો રાખો. 6 ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.” 7 ધાન્ય અને દ્રાક્ષાસવની વિપુલતાથી માણસોને જે આનંદ મળે, તે કરતાં અધિક આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. 8 હું પથારીમાં પડું છું અને શાંતિપૂર્વક ઊંઘી જાઉં છું, કારણ, હે પ્રભુ, એકલા તમે જ મને સલામત રાખો છો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide