Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 39 - પવિત્ર બાઇબલ C.L.


મૌન, ક્ષણભંગુર જીવન અને પાપ
(સંગીત સંચાલક યદૂથૂન માટે સૂચના: દાવિદનું ગીત)

1 મેં વિચાર્યું હું મારા માર્ગો વિષે સાવચેત રહીશ; જેથી હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી નજીક હોય ત્યારે હું મારા મુખ પર મૌનની લગામ રાખીશ.

2 હું મૂંગો થઈને સંપૂર્ણ મૌન રહ્યો, અરે, સાચી વાત બોલવાથી પણ હું મૌન રહ્યો; પણ તેથી મારી અકળામણ વધી ગઈ.

3 મારી ભીતરમાં મારું હૃદય ઉદ્વેગથી ધૂંધવાઈ ઊઠયું, જેમ વધુ વિચાર્યું તેમ તે આગની જેમ સળગી ઊઠયું; ત્યારે હું મારી જીભે બોલી ઊઠયો:

4 “હે પ્રભુ, મારો અંત ક્યારે છે, તથા મારું આયુષ્ય કેટલું લાંબું છે; મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે સમજાવો.

5 તમે મારા આયુષ્યના દિવસો વેંત જેટલા ટૂંકા કર્યા છે; તમારી દષ્ટિમાં મારું આયુષ્ય શૂન્ય જેવું છે; સાચે જ પ્રત્યેક મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)

6 સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.

7 હે પ્રભુ, હું શાની આશા રાખી શકું? મારી આશા તો તમારા પર જ છે.

8 મારા સર્વ અપરાધોથી મને ઉગારો, મૂર્ખ લોકો મારી ઠેકડી ઉડાડે એવું થવા ન દો.

9 હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.

10 તમે મોકલેલી મહામારી મારાથી દૂર કરો; હું તો તમારા પ્રહારોથી મરણતોલ થઈ ગયો છું.

11 તમારા ઠપકાથી તમે મનુષ્યને તેના દોષોની શિક્ષા કરો છો, કીડાની જેમ તમે મનુષ્યની પ્રિય વસ્તુઓનો નાશ કરો છો; સાચે જ મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)

12 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.

13 હું અહીંથી ચાલ્યો જાઉં અને હતો ન હતો થઈ જાઉં, તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી ઉઠાવી લો; જેથી હું થોડીક રાહતનો દમ લઈ શકું!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan