Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 38 - પવિત્ર બાઇબલ C.L.


સહાય માટે પ્રાર્થના
(સંસ્મરણને અર્થે: દાવિદનું ગીત)

1 હે પ્રભુ, તમારા કોપમાં મને ઠપકો ન દો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.

2 તમારાં બાણો મને વાગ્યાં છે; તમારા ભુજે મને ભીંસી નાખ્યો છે.

3 તમારા પ્રકોપને લીધે મારા શરીરમાં તંદુરસ્તી નથી; મારા પાપને કારણે મારાં હાડકાંમાં પણ ચેન નથી.

4 મારાં પાપનો ગંજ મારા શિર પર ખડક્યો છે; તેમનો ભારે બોજ મારે માટે અસહ્ય છે.

5 મારાં પાપની મૂર્ખાઈને કારણે મારાં ઘારાં સડીને દુર્ગંધ મારે છે.

6 હું અત્યંત વાંકો વળી ગયો છું અને લથડી ગયો છું. હું આખો દિવસ શોકમગ્ન રહું છું.

7 હું તાવથી ધખધખું છું. મારા હાડમાંસમાં કંઈ આરોગ્ય નથી.

8 હું નિર્ગત થઈ ગયો છું અને અત્યંત કચડાઈ ગયો છું. મારા હૃદયમાં ખળભળાટ મચી ગયો છે અને હું વેદનાને લીધે કણસું છું.

9 હે પ્રભુ, તમે મારી આકાંક્ષા જાણો છો; અને મારા નિ:સાસા તમારાથી છુપા નથી.

10 મારા દયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઓસરી ગયું છે; મારી આંખોનું તેજ ઝાંખું પડયું છે.

11 મારા સ્નેહીઓ અને મિત્રો મારા રોગને લીધે મારી પાસે આવતા નથી; મારાં કુટુંબીજનો પણ મારાથી વેગળાં રહે છે.

12 મારો જીવ લેવા ઇચ્છનારાઓ મારે માટે જાળ બિછાવે છે; મને હાનિ પહોંચાડવા મથનારા મને મારી નાખવાની ધમકી આપે છે, તેઓ આખો દિવસ કપટી યોજનાઓ ઘડયા કરે છે.

13 પરંતુ જાણે બહેરો હોઉં તેમ હું કશું સાંભળતો નથી, અને જાણે મૂંગો હોઉં તેમ હું કશું બોલતો પણ નથી.

14 હું તો સાંભળી નહિ શકવાને લીધે પોતાના બચાવમાં દલીલ કરી ન શકે તેવા માણસ જેવો બની ગયો છું.

15 પરંતુ હે પ્રભુ, હું તમારી પ્રતીક્ષા કરું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, માત્ર તમે જ મને ઉત્તર આપશો.

16 તેથી મેં કહ્યું હતું કે, “મારા શત્રુઓને મારા દુ:ખ પર હરખાવા ન દો; મારા પતનના સમયમાં તેમને શેખી મારવા ન દો.”

17 હું ઢળી પડવાની અણી પર છું; મારી વેદના નિરંતર મારી સાથે છે.

18 હું મારો દોષ કબૂલ કરું છું; મારાં પાપોને લીધે હું વ્યથિત છું.

19 મારા શત્રુઓ સ્ફૂર્તિલા અને બળવાન છે; વિનાકારણ મારો દ્વેષ કરનારા પણ ઘણા છે.

20 તેઓ તો ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળી આપનારા છે; હું તેમનું ભલું કરું છું, ત્યારે તેઓ મારી નિંદા કરે છે.

21 હે પ્રભુ, મારો ત્યાગ કરશો નહિ; મારા ઈશ્વર, મારાથી દૂર થશો નહિ.

22 હે પ્રભુ, મારા ઉદ્ધારર્ક્તા મને સત્વરે સહાય કરો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan