ગીતશાસ્ત્ર 37 - પવિત્ર બાઇબલ C.L.દુષ્ટોનો અંજામ અને નેકજનોને વરદાન א આલેફ (દાવિદનું ગીત) 1 દુષ્ટો ફાવી જાય તેને લીધે તું ખીજવાઈશ નહિ, અને અનીતિ આચરનારાઓની ઈર્ષા કરીશ નહિ. 2 કારણ કે તેઓ થોડીવારમાં ઘાસની જેમ સુકાઈ જશે, અને લીલોતરીની જેમ ચીમળાઈ જશે. ב બેથ 3 પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ. 4 પ્રભુમાં મગ્ન રહે; અને તે તારા દયની આકાંક્ષાઓ પૂરી પાડશે. ג ગિમેલ 5 તારું ભાવિ જીવન પ્રભુને સોંપ; તેમના પર ભરોસો રાખ, એટલે તે તને સહાય કરશે. 6 તે તારી નેકીને સવારના પ્રકાશની જેમ, અને તારા દાવાની યથાર્થતાને મયાહ્નના પ્રકાશની જેમ પ્રકાશિત કરશે. ד દાલેથ 7 પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ. ה હે 8 રોષને છોડ અને ક્રોધનો ત્યાગ કર; તું ખિજવાઈશ નહિ; એ હાનિકારક નીવડે છે. 9 કારણ, દુષ્ટોનો સંહાર થશે; પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ વચનના પ્રદેશનો વારસો પામશે. શ્ર્ વાવ 10 ટૂંક સમયમાં જ દુષ્ટો હતા ન હતા થઈ જશે, તું તેમને ખંતથી શોધશે, પણ તેમનું નામનિશાન જડશે નહિ. 11 પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે. ז ઝાયિન 12 દુષ્ટ માણસ નેકજનની વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેની સામે ગુસ્સાથી દાંત પીસે છે. 13 પરંતુ પ્રભુ દુષ્ટોની હાંસી ઉડાવે છે; કારણ, તે જાણે છે કે તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે. ח ખેથ 14 દુષ્ટોએ પોતાની તલવારો તાણી છે, અને પોતાનાં ધનુષ્યો ખેંચ્યા છે; જેથી તેઓ પીડિતજનોને અને ગરીબોને મારી નાખે, અને સદાચારીઓનો સંહાર કરે. 15 પરંતુ દુષ્ટોની તલવારો તેમનાં પોતાનાં જ હૃદયોને વીંધી નાખશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે. ט ટેથ 16 ધનિક દુર્જનોની પુષ્કળ દોલત કરતાં નેકજનોની અલ્પ માલમતા અધિક મૂલ્યવાન છે. 17 કારણ, દુષ્ટોના હાથ ભાંગી નંખાશે, પરંતુ પ્રભુ નેકજનોને નિભાવી રાખશે. י યોદ 18 પ્રભુ નિર્દોષજનોની નિત્ય કાળજી રાખે છે, અને તેમનો વારસો સદાસર્વદા ટકશે. 19 કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહિ; દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે. כ કાફ 20 પરંતુ દુષ્ટો નષ્ટ થશે; પ્રભુના શત્રુઓ ઘાસનાં ફુલોની જેમ નષ્ટ થશે, તેઓ ધૂમાડાની જેમ અદશ્ય થશે. ל લામેદ 21 દુર્જન ઉછીનું લીધેલું ય પાછું આપતો નથી, પણ નેકજન ઉદારતાથી દાન આપે છે. 22 પ્રભુથી આશીર્વાદ પામેલા જનો વચનના પ્રદેશનો વારસો પામશે, પણ તેમનાથી શાપિત થયેલાઓનો ઉચ્છેદ થશે. מ મેમ 23 જ્યારે માણસનો માર્ગ પ્રભુને પસંદ પડે છે ત્યારે તે તેનાં પગલાં દઢ કરે છે. 24 જો કે તે ઠોકર ખાય, તો યે તે પડી જશે નહિ, કારણ, પ્રભુ તેનો હાથ પકડી લઈને તેને ટેકો આપશે. נ નૂન 25 એક વેળા હું યુવાન હતો, અને હવે વૃદ્ધ થયો છું; પરંતુ પ્રભુએ કોઈ નેકીવાનનો ત્યાગ કર્યો હોય કે તેનાં બાળકો ભીખ માંગતા હોય તેવું મેં જોયું નથી. 26 તે સદા ઉદાર હોય છે અને ઉછીનું આપે છે; તેનાં બાળકો પણ આશીર્વાદિત હોય છે. ס સામેખ 27 દુરાચારથી દૂર થા અને ભલાઈ કર; એથી તું વચનના પ્રદેશમાં વાસ કરશે. 28 પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે. ע આયિન 29 નેકજનો વચનના પ્રદેશનો વારસો પામશે, અને તેઓ તેમાં સદા નિવાસ કરશે. פ પે 30 નેકજનનું મુખ જ્ઞાન ઉચ્ચારે છે; તેની જીભ સચ્ચાઈની વાતો કરે છે. 31 તેનાં હૃદયમાં તેના ઈશ્વરનો નિયમ છે, અને તેના પગ કદી લપસી જશે નહિ. צ ત્સાદે 32 દુષ્ટ નેકજનની જાસૂસી કરે છે; તે તેની હત્યા કરવાનો લાગ શોધે છે. 33 પ્રભુ નેકજનને દુષ્ટના હાથમાં પડવા દેશે નહિ; નેકજનનો ન્યાય તોળાશે ત્યારે તે તેને દોષિત ઠરવા દેશે નહિ. ק કોફ 34 પ્રભુની પ્રતીક્ષા કર, તેમણે ચીંધેલા માર્ગે ચાલ. વચનના પ્રદેશનો વારસ બનાવી તે તને ઉન્નતિ બક્ષશે, અને તું દુષ્ટોનો ઉચ્છેદ જોશે. ר રેશ 35 મેં એક જુલમી દુષ્ટને આતંક ફેલાવતાં જોયો; તે લબાનોનના વિશાળ વૃક્ષની જેમ બીજાઓ પર દમામ મારતો હતો. 36 હું ફરીથી પસાર થયો ત્યારે તે ત્યાં ન હતો. મેં તેની શોધ કરી, પણ તેનો પત્તો લાગ્યો નહિ! ש શીન 37 નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે. 38 ક્ધિતુ અપરાધીઓનો સંપૂર્ણ વિનાશ થશે, અને તેમના વંશજોનો ઉચ્છેદ થઈ જશે. ת તાવ 39 પ્રભુ નેકીવાનોનો ઉદ્ધાર કરે છે; તે સંકટ સમયે તેમનું આશ્રયસ્થાન છે. 40 પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide