ગીતશાસ્ત્ર 35 - પવિત્ર બાઇબલ C.L.શત્રુઓથી બચાવ માટે પ્રાર્થના પ્રથમ વિભાગ (દાવિદનું ગીત) 1 હે પ્રભુ, મારી સાથે વિવાદ કરનારાઓની સાથે તમે વિવાદ કરો. મારી સાથે લડનારાઓની સામે તમે લડો. 2 ઊઠો! ઢાલ અને બખ્તર સજીને મારી વહારે આવો. 3 મારો પીછો કરનારાઓનો સામનો કરવા તમારાં ભાલો અને ફરસી ઉપાડો! મને હૈયાધારણ આપો કે તમે જ મારા ઉદ્ધારક છો. 4 જેઓ મારો જીવ લેવા યત્ન કરે છે તેમને તમે લજ્જિત અને અપમાનિત કરો. જેઓ મારું ભૂડું કરવાની પેરવી કરે છે, તેમને તમે ગૂંચમાં નાખીને નસાડી મૂકો. 5 તેઓ પવનમાં ઊડી જતા તણખલા જેવા થાઓ, અને પ્રભુનો દૂત તેમને હાંકી કાઢો. 6 તેમનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ, અને પ્રભુનો દૂત તેમનો પીછો પકડો. 7 વિનાકારણ તેમણે મારે માટે જાળ પાથરી છે, અને વિનાકારણ મારો જીવ લેવા ખાડો ખોદ્યો છે. 8 તેમના પર ઓચિંતો વિનાશ આવી પડો, અને તેમણે સંતાડેલી જાળમાં તેઓ જાતે જ સપડાઈ જાઓ; તેમાં પડીને તેમની પાયમાલી થાઓ! 9 ત્યારે મારો જીવ પ્રભુને લીધે આનંદથી ગાશે, અને તેમણે કરેલા ઉદ્ધારને લીધે હરખાશે. 10 હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો. બીજો ભાગ 11 દુષ્ટો મારી વિરુદ્ધ જુબાની આપે છે; મને જાણ નથી એવા ગુનાઓ વિષે તેઓ મારી ઊલટતપાસ કરે છે. 12 તેઓ મારી ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે અને મારો જીવ હતાશામાં ડૂબી ગયો છે. 13 પરંતુ તેઓ માંદા પડતા ત્યારે હું શોકમાં કંતાન ઓઢતો, ઉપવાસથી મારા જીવને કષ્ટ આપતો, અને માથું ખોળામાં ઢાળીને પ્રાર્થના કર્યા કરતો. 14 મારો કોઈ મિત્ર કે સગો ભાઈ બીમાર હોય તેમ હું ખિન્ન થતો; પોતાની મા માટે વિલાપ કરનારની જેમ હું ભૂમિ પર મસ્તક ટેકવીને શોક કર્યા કરતો. 15 પરંતુ હું લથડી પડયો ત્યારે તેમણે ટોળે મળીને કિલકારીઓ કરી, તેઓ મારી આસપાસ ઠેકડી કરવા એકત્ર થયા; મારાથી અજાણ્યા લોકોએ મારા પર પ્રહાર કર્યા અને મને મારીમારીને મારી ચામડી ઊતરડી નાખી. 16 ઈશ્વરનિંદકોની જેમ મારી ઠેકડી ઉડાડનારા મને ઘેરી વળ્યા છે અને ગુસ્સામાં પોતાના દાંત મારી સામે પીસે છે. 17 હે પ્રભુ, તમે ક્યાં સુધી આ બધું જોયા કરશો? તેમના હિંસક હુમલાથી મારા પ્રાણને અને સિંહોથી મારા જીવને બચાવો. 18 પછી મોટી સભામાં હું તમારો આભાર માનીશ અને વિશાળ જનસમુદાયમાં હું તમારી સ્તુતિ કરીશ. ત્રીજો વિભાગ 19 મારા કપટી શત્રુઓને મારા ઉપર આનંદ કરવા ન દો, એને વિનાકારણે મારો દ્વેષ કરનારા તેમની આંખના મિચકારા ન મારે. 20 તેમના બોલવામાં જરાય શુભેચ્છા નથી. અને બદલે, શાંતિપ્રિય જનોની વિરુદ્ધ તેઓ પ્રપંચ રચે છે. 21 તેઓ મારી વિરુદ્ધ ઘાંટા પાડી પાડીને બોલે છે; તેઓ કહે છે, “આહા, આહા, તારું અધમ કામ અમે નજરોનજર જોયું છે.” 22 હે પ્રભુ, તમે આ જુઓ છો; તમે મૌન રહેશો નહિ. હે પ્રભુ, મારાથી દૂર થશો નહિ. 23 મને ન્યાય અપાવવા જાગ્રત થાઓ. હે મારા ઈશ્વર અને મારા સ્વામી, મારા દાવાનો ઉકેલ લાવો. 24 હે પ્રભુ, તમારી ન્યાયપ્રિયતાથી મારું સમર્થન કરો; હે મારા ઈશ્વર, મારા શત્રુઓને મારા પર આનંદ કરવા ન દો. 25 તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.” 26 મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો. 27 પરંતુ મારા ઉદ્ધારના શુભેચ્છકો આનંદથી જયજયકાર કરો, અને તેઓ સદા કહો કે, “પોતાના ભક્તના કલ્યાણમાં રાચનાર પ્રભુ મહાન મનાઓ.” 28 ત્યારે મારી જીભ તમારી ન્યાયપરાયણતા પ્રગટ કરશે અને આખો દિવસ તમારાં સ્તોત્ર ગાશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide