ગીતશાસ્ત્ર 34 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરની ભલાઈ (દાવિદનું ગીત: જ્યારે અલિમેલેખ રાજા સમક્ષ દાવિદે પાગલ હોવાનો ઢોંગ કર્યો ત્યારે તેણે દાવિદને કાઢી મૂક્યો અને દાવિદ જતો રહ્યો. તે સમયનું ગીત.) 1 હું સર્વ સમયે પ્રભુને ધન્યવાદ આપીશ, અને મારે મુખે તેમની સ્તુતિનું રટણ નિરંતર રહેશે. 2 મારો આત્મા પ્રભુને લીધે ગર્વ કરશે; પીડિતજનો તે સાંભળે અને આનંદ કરે. 3 મારી સાથે પ્રભુને મહાન માનો. આપણે સૌ સાથે મળીને તેમનું નામ ઉન્નત માનીએ. 4 મેં પ્રભુની શોધ કરી, એટલે તેમણે મને પ્રત્યુત્તર આપ્યો અને મારા સર્વ આતંકમાંથી તેમણે મને મુક્ત કર્યો. 5 પીડિતો પ્રભુ તરફ જોઈને પ્રકાશિત થયા છે, હવેથી તેમનાં મુખ લજવાઈને ઝંખવાણાં પડશે નહિ. 6 આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો. 7 પ્રભુના ભક્તોની આસપાસ તેમનો દૂત ચોકી કરે છે અને તેમને જોખમમાંથી ઉગારે છે. 8 અનુભવ કરો અને જુઓ કે પ્રભુ કેવા મધુર છે! તેમનો આશરો લેનારને ધન્ય છે! 9 હે પ્રભુના સંતો, તમે તેમનો ડર રાખો; કેમ કે તેમનો ડર રાખનારાઓને કંઈ અછત હોતી નથી. 10 યુવાન સિંહોને પણ ખોરાકના અભાવે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પ્રભુના ભક્તોને તો કોઈ સારાં વાનાંની અછત પડશે નહિ. 11 મારા શિષ્યો આવો, મારી વાત સાંભળો; હું તમને પ્રભુનો આદરયુક્ત ડર રાખતાં શીખવીશ. 12 કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે? 13 તો તમારી જીભને ભૂંડાઈથી સાચવો અને તમારા હોઠોને કપટી વાત બોલતાં અટકાવો. 14 દુરાચાર તજો અને ભલાઈ કરો. લોકોનું કલ્યાણ શોધો અને તેની પાછળ લાગો. 15 નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે; 16 પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે. 17 પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે. 18 પ્રભુ જેમનાં મન દુ:ખથી ભાંગી પડયાં છે તેમની નિકટ છે, અને જેમનો આત્મા દુ:ખમાં દબાઈ ગયો છે તેમને તે બચાવે છે. 19 નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે. 20 તે તેનાં સર્વ હાડકાંને સાચવે છે, અને તેમાંનું એકે ય ભંગાતું નથી. 21 દુષ્ટોને તો તેમની ભૂંડાઈ જ હણી નાખશે, અને નેકીવાનોને ધૂત્કારનારા સજા પામશે. 22 પ્રભુ પોતાના સેવકોના પ્રાણનો ઉદ્ધાર કરે છે, અને તેમનો આશરો લેનારાઓમાંનો એકેય સજા પામશે નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide