ગીતશાસ્ત્ર 32 - પવિત્ર બાઇબલ C.L.પાપનો એકરાર અને માફી માટે પ્રાર્થના (દાવિદનું ગીત: માસ્કીલ) 1 ધન્ય છે એ વ્યક્તિને કે, જેનો અપરાધ પ્રભુએ માફ કર્યો છે, અને જેનું પાપ પ્રભુએ ભૂંસી નાખ્યું છે. 2 ધન્ય છે એ વ્યક્તિને કે જેના પર પ્રભુ ભૂંડાઈ આચરવાનો દોષ મૂક્તા નથી, અને જેનાં હૃદયમાં કંઈ કપટ નથી. 3 હું પાપની કબૂલાત કરવાને બદલે ચૂપ રહ્યો ત્યારે મારાં અસ્થિ ર્જીણ થવા લાગ્યાં. કારણ કે, હું આખો દિવસ કણસતો હતો. 4 કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ) 5 પછી મેં તમારી આગળ મારાં પાપની કબૂલાત કરી, અને મેં મારો દોષ છુપાવ્યો નહિ; કારણ તમારી આગળ મેં મારા અપરાધનો એકરાર કરવાનો નિર્ધાર કર્યો હતો; તેથી તમે મારાં પાપનો દોષ માફ કર્યો. (સેલાહ) 6 તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ. 7 તમે મારું સંતાવાનું સ્થાન છો. તમે મને સંકટમાંથી ઉગારશો, અને ઉદ્ધારના પોકારો કરનારાથી મને ઘેરી લેશો. (સેલાહ) 8 પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’ 9 ઘોડા કે ખચ્ચરને વશમાં રાખવા માટે ચોકઠા કે લગામની જરૂર પડે, નહિ તો તે તારી પાસે આવે નહિ; તેવો તું ન થાય. 10 દુષ્ટોને ઘણાં દુ:ખો ઘેરી વળે છે, પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ તેમના પ્રેમથી ઘેરાશે. 11 હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide