ગીતશાસ્ત્ર 31 - પવિત્ર બાઇબલ C.L.સંકટમાં બચાવ માટે પ્રાર્થના અને આભારદર્શન (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મને કદી લજ્જિત થવા ન દો. તમારા વિશ્વાસુપણાને લીધે મને ઉગારો. 2 મારી તરફ કાન ધરો અને મને સત્વરે છોડાવો; તમે મારા રક્ષણનો મજબૂત ગઢ અને બચાવનો કિલ્લો બનો. 3 સાચે જ તમે મારે માટે ગઢ અને કિલ્લા સમાન છો; તમારા નામની કીર્તિને લીધે મને માર્ગ ચીંધો અને તે પર ચલાવો. 4 મારા શત્રુઓએ ગુપ્ત રીતે પાથરેલી જાળમાંથી તમે મને મુક્ત કરો, કારણ કે તમે જ મારા આશ્રય છો. 5 તમારા હાથમાં મારો આત્મા સોંપું છું; હે પ્રભુ, વિશ્વાસુ ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કરો. 6 વ્યર્થ મૂર્તિઓ પર આધાર રાખનારાઓને હું ધિક્કારું છું અને હું પ્રભુ પર જ ભરોસો રાખું છું. 7 તમારા પ્રેમને લીધે હું હર્ષાનંદ કરીશ. કારણ, તમે મારું દુ:ખ જોયું છે, અને મારી વિપત્તિઓ ધ્યાનમાં લીધી છે. 8 તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે. માંદગી અને શત્રુનો ભય 9 હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું સંકટમાં છું; ખેદથી મારાં ચક્ષુ ક્ષીણ થયાં છે, અને મારું ગળું તેમજ ઉદર સુકાઈ ગયાં છે. 10 વેદનાથી મારી જિંદગી અને નિસાસાથી મારું આયુષ્ય ઘટી રહ્યાં છે; મારી વિપત્તિઓને લીધે મારું બળ ઓસરી ગયું છે અને મારાં હાડકાં ક્ષીણ થયાં છે. 11 મારા શત્રુઓ મારી મજાક ઉડાવે છે, અને મારા પાડોશીઓ મારો તુચ્છકાર કરે છે; મારા મિત્રોને મારા પ્રત્યે કમકમાટી ઊપજે છે, અને શેરીમાં મને જોતાંની સાથે જ સૌ નાસે છે. 12 હું જાણે હયાત ન હોઉં એમ લોકોના મનમાંથી વિસરાઈ ગયો છું; હું તેમને માટે ભંગિત પાત્રો જેવો નકામો થઈ ગયો છું. 13 મને મારા ઘણા શત્રુની ગુસપુસ સંભળાય છે. મારી ચારે બાજુએ આંતક છે. તેઓ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, અને મારો જીવ લેવા પ્રપંચ કરે છે. 14 પણ પ્રભુ, હું તો તમારા પર જ ભરોસો રાખું છું; હું કબૂલ કરું છું કે, “તમે જ મારા ઈશ્વર છો!” 15 મારા જીવનના સર્વ સંજોગો તમારા હાથમાં છે. મને સતાવનારા મારા શત્રુઓના હાથમાંથી મને છોડાવો. 16 તમારા આ સેવક પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો; તમારા પ્રેમને લીધે મારો ઉદ્ધાર કરો. 17 હે પ્રભુ, મને લજ્જિત થવા ન દો, કારણ, હું તમને પોકારું છું. પણ દુષ્ટો લજવાઓ અને મૃત્યુલોક શેઓલમાં ધકેલાઈ જઈને મૂંગા બનો. 18 નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ. 19 તમારા ભક્તો માટે તમારી ભલાઈનો ભર્યોભાદર્યો ભંડાર કેવો અખૂટ છે! લોકોના દેખતાં તમારો આશ્રય મેળવનાર સૌના પ્રત્યે તમે ભલાઈ દાખવો છો. 20 તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો. 21 પ્રભુની સ્તુતિ થાઓ! ઘેરાયેલ નગરની જેમ હું ભીંસમાં આવી પડ્યો ત્યારે તેમણે પોતાનો પ્રેમ અદ્ભુત રીતે દર્શાવ્યો. 22 હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે. 23 હે પ્રભુના સર્વ સંતો, તમે તેમના પર પ્રીતિ રાખો. પ્રભુ તેમના નિષ્ઠાવાન લોકનું રક્ષણ કરે છે. પરંતુ અહંકારથી વર્તનારાઓને પૂરેપૂરી સજા કરે છે. 24 હે પ્રભુ પર આશા રાખનારા લોકો, બળવાન બનો અને તમારા હૈયે હિંમત ધરો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide