ગીતશાસ્ત્ર 30 - પવિત્ર બાઇબલ C.L.માંદગીમાંથી સાજા થવા વિષે આભારદર્શન (મંદિરના સમર્પણ સમયનું ગીત: દાવિદનું ગીત) 1 હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી. 2 હે પ્રભુ, મારા ઈશ્વર, મેં તમને અરજ કરી અને તમે મને સાજો કર્યો છે. 3 હે પ્રભુ, તમે મારા પ્રાણને મૃત્યુલોક શેઓલમાંથી ઉપર ઉઠાવી લીધો. હું તો ઘોરમાં જવાની તૈયારીમાં હતો, પણ તમે મને નવજીવન બક્ષ્યું છે. 4 હે પ્રભુના સંતો, તમે તેમનાં યશોગાન ગાઓ; તેમના પવિત્ર નામનું સ્મરણ કરીને તેમનો આભાર માનો. 5 કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે. 6 મેં તો મારી આબાદીના સમયે વિચારેલું કે, “હું કદી ડગીશ નહિ.” 7 હે પ્રભુ, તમે મને તમારી કૃપાથી પર્વતો જેવો વધારે અડગ બનાવ્યો; પણ તમે મારાથી વિમુખ થયા કે હું નાસીપાસ થઈ ગયો. 8 પણ પ્રભુ, મેં તમને પોકાર કર્યો, અને તમારી દયા માટે આજીજી કરીને કહ્યું કે, 9 “જો હું કબર ભેગો થાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું મારી ધૂળ તમને ધન્યવાદ આપશે? શું તે તમારું વિશ્વાસુપણું પ્રસિદ્ધ કરશે?” 10 હે પ્રભુ, તમે મારી અરજ સાંભળો અને મારા પર દયા કરો; હે પ્રભુ, તમે મારા બેલી થાઓ. 11 પછી તો તમે મને વિલાપને બદલે નૃત્ય આપ્યું; મારા ટાટનાં શોકવ ઉતારીને મને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે. 12 તેથી મારું સમસ્ત વ્યક્તિત્વ તમારી સ્તુતિ ગાશે અને મૌન રહેશે નહિ; હે મારા ઈશ્વર પ્રભુ, હું સદા સર્વદા તમને ધન્યવાદ આપીશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide