ગીતશાસ્ત્ર 27 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુની સંગતમાં શો ડર! (દાવિદનું ગીત) 1 પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું? 2 જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા. 3 જો કે આખું સૈન્ય મને ઘેરી વળે, તો યે મારું હૃદય ભયભીત થશે નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ જાગે, તો યે હું ઈશ્વર પર ભરોસો રાખીશ. 4 પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું! 5 સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે. 6 તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને હું પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુનાં યશોગાન ગાઈશ. સંભાળ માટે પ્રભુને પ્રાર્થના 7 હે પ્રભુ, હું પોકાર કરું ત્યારે મારો સાદ સાંભળો; કૃપા કરી મને ઉત્તર આપો. 8 મારા દયે મને કહ્યું હતું, “ચાલ, પ્રભુનું મુખ શોધ.” તેથી હે પ્રભુ, હું તમારું જ મુખ શોધું છું. 9 તમારું મુખ મારાથી સતાડશો નહિ. તમારા ક્રોધમાં મને, તમારા સેવકને કાઢી મૂકશો નહિ; કારણ, તમે જ મારા બેલી છો. હે મારા મુક્તિદાતા ઈશ્વર, મને તજી ન દો, મારો ત્યાગ ન કરો. 10 મારાં માતપિતા ભલે મારો ત્યાગ કરે, પરંતુ પ્રભુ મારી સંભાળ રાખશે. 11 હે પ્રભુ, મને તમારા માર્ગ વિષે શીખવો; મને સરળ માર્ગે દોરો, કારણ, મારા શત્રુઓ ઘણા છે. 12 મારા શત્રુઓના હાથમાં મને સોંપી ન દો, કારણ, જૂઠા સાક્ષીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે અને તેઓ હિંસા આચરવા તત્પર છે. 13 દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે. 14 પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide