ગીતશાસ્ત્ર 22 - પવિત્ર બાઇબલ C.L.નિષ્ઠાવાનનો પોકાર અને સ્તુતિગાન (સંગીત સંચાલક માટે સૂચના: પ્રભાતનાં હરણાં પ્રમાણે (હિબ્રૂ: અય્યેબેથ, હાશ-શાસર) દાવિદનું ગીત) 1 મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું તમે મારાથી એટલા દૂર છો કે તમે મારો પોકાર અને આર્તનાદ સાંભળતા નથી? 2 હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી. 3 હે ઈશ્વર, તમે પવિત્ર છો; તમે તમારા લોક ઇઝરાયલનાં સ્તુતિગાન પર બિરાજમાન છો. 4 અમારા પૂર્વજોએ તમારા પર જ ભરોસો મૂક્યો હતો. તેમણે તમારા પર આધાર રાખ્યો અને તમે તેમને ઉગાર્યા પણ ખરા. 5 તેમણે તમને પોકાર કર્યો, એટલે તેઓ બચી ગયા. તેમણે તમારા પર ભરોસો મૂક્યો એટલે તેઓ નાસીપાસ થયા નહિ. 6 પણ હું તો માણસ નહિ, પણ માત્ર કીડો છું; માણસો મને ધૂત્કારે છે અને લોકો મને તુચ્છ ગણે છે. 7 મને જોનારા સૌ કોઈ મારી મજાક ઉડાવે છે, તેઓ મોં મચકોડે છે અને માથું ધૂણાવીને મહેણાં મારે છે. 8 તેઓ કહે છે, “તેણે પ્રભુ પર આધાર રાખ્યો હોય તો તે તેને છોડાવે! તે પ્રભુનો માનીતો હોય તો ભલે તે તેને ઉગારે!” 9 પણ તમારી કૃપાથી જ હું મારી માતાના ઉદરે જન્મ્યો, અને મારી શૈશવાસ્થામાં તમે જ મને મારી માની ગોદમાં સહીસલામત રાખ્યો. 10 મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે. મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો. 11 સંકટ આવી પડયું છે અને કોઈ બેલી નથી, માટે મારાથી દૂર જશો નહિ. 12 સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે. 13 ફાડી ખાનાર અને ગર્જનાર સિંહની જેમ તેઓ પોતાનાં મોં મારી સામે વિક્સે છે. 14 વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે. 15 મારું ગળું ઠીકરાની જેમ સાવ સુકાઈ ગયું છે. મારી જીભ તાળવે ચોંટી ગઈ છે; તમે જ મને કબરની ધૂળ ભેગો થવા દીધો છે: 16 દુષ્ટોની ટોળકીએ મને ઘેરી લીધો છે, કૂતરાંની જેમ તેઓ મારી ચોપાસ ફરી વળ્યા છે; તેઓ સિંહની જેમ મારા હાથપગ ચીરી નાખે છે. 17 મારાં બધાં જ હાડકાં ગણી શકાય તેમ છે, મારા શત્રુઓ મને ધારીધારીને જુએ છે. 18 તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, અને મારાં કપડાં માટે તેઓ ચિઠ્ઠીઓ નાખે છે. 19 હે પ્રભુ, તમે મારાથી દૂર ન રહો, હે મારા બેલી, મારી મદદે દોડી આવો. 20 તરવારથી મારા ગળાને બચાવો, અને કૂતરાના પંજાથી મારા એકલવાયા જીવને ઉગારો. 21 મને આ સિંહોના મુખથી અને સાંઢોના શિંગથી બચાવો! અને હવે તમે મને ઉત્તર દીધો છે! 22 તેથી હું મારા બધુંઓને તમારું નામ પ્રસિદ્ધ કરીશ; હું ભક્તોની સભામાં તમારી સ્તુતિ ગાઈશ. 23 હે પ્રભુના ભક્તો, તમે તેમની સ્તુતિ કરો, હે યાકોબના વંશજો, તેમને ગૌરવ આપો, હે ઇઝરાયલના સર્વ લોકો, તમે તેમની આરાધના કરો. 24 તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે. 25 ભરી ભક્તિસભામાં હું તમારાં સ્તુતિગીત ગાયાં કરીશ; તમારા ભક્તોની સમક્ષ હું મારી માનતાઓનાં અર્પણો ચઢાવી તેમને પૂરી કરીશ. 26 તેમાંથી ગરીબો ધરાઈને ખાશે; પ્રભુને શોધનારા ભક્તો તેમની સ્તુતિ કરતાં કહેશે, “તેઓ સદા સુખમાં જીવો.” 27 પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે. 28 કારણ કે રાજ્ય પ્રભુનું છે; તે જ બધી પ્રજાઓ પર શાસન કરે છે. 29-30 પૃથ્વીના તાજામાજા લોકો પ્રભુને નમશે; કબરની ધૂળમાં જનારા પણ તેમની આગળ ધૂંટણ ટેકવશે. જેઓ જીવતા રહ્યા નથી તેમના વંશજો આવનાર પેઢીઓને પ્રભુની વાત પ્રગટ કરશે. 31 તેઓ હવે પછી જન્મનાર લોકોને પ્રભુનો ઉદ્ધાર પ્રગટ કરીને કહેશે કે, ‘એ તો પ્રભુનું કાર્ય છે.’ |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide