ગીતશાસ્ત્ર 21 - પવિત્ર બાઇબલ C.L.વિજય માટે સ્તવન (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હે પ્રભુ, તમે સામર્થ્ય આપ્યું તેથી રાજા આનંદવિભોર છે. તમે તેમને વિજય અપાવ્યો તેથી તે કેટલા ઉલ્લાસિત છે! 2 તમે તેમની મનોકામનાઓ પૂર્ણ કરી છે; તમે તેમના હોઠોની અરજો નકારી નથી. (સેલાહ) 3 તમે શ્રેષ્ઠ આશિષો સાથે તેમને સામે જઈને મળ્યા છો; તમે તેમના મસ્તક પર સુવર્ણમુગટ મૂક્યો છે. 4 તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું. 5 તમે અપાવેલા વિજયથી તેમને બહુમાન મળ્યું છે, તમે તેમને કીર્તિ અને ગૌરવ બક્ષો છો. 6 તમે તેમને સર્વકાળ માટે આશિષો આપો છો. તમારી ઉપસ્થિતિથી તેમને પરમ આનંદ પમાડો છો. 7 કારણ, રાજા પ્રભુ પર જ ભરોસો રાખે છે, અને સર્વોચ્ચ ઈશ્વરના પ્રેમને લીધે તે અડગ રહે છે. 8 તમારો ભૂજ તમારા સર્વ શત્રુઓને પકડી પાડશે; તમારો જમણો હાથ તમારા દ્વેષીઓને શોધી કાઢશે. 9 તમે કોપાયમાન થશો ત્યારે તેમને બળતી ભઠ્ઠી જેવા કરી દેશો. પ્રભુ પોતાના કોપમાં તેમને ભરખી જશે, અને અગ્નિ તેમને ભસ્મીભૂત કરી નાખશે. 10 તમે તેમના સંતાનોને ધરતી પરથી મિટાવી દેશો, અને માનવજાતમાંથી તેમના વંશનો ઉચ્છેદ કરશો. 11 તમારા શત્રુઓએ તમારું નુક્સાન કરવાની પેરવી કરી; તેમણે તમારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યાં, પણ તેઓ સફળ થયા નહિ. 12 તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે. 13 હે પ્રભુ, તમારા સામર્થ્યને લીધે તમે મહાન મનાઓ; અમે તમારા પરાક્રમનાં યશોગાન ગાઈશું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide